ગૅસ સિલિન્ડર હવે રૂા. 1003 નોટ આઉટ

રાંધણગૅસના ભાવવધારા સામે કૉંગ્રેસનો કટાક્ષ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : કૉંગ્રેસે ગુરુવારે રાંધણગૅસના ભાવમાં પ્રતિ સિલિન્ડર સાડા ત્રણ રૂપિયાના થયેલા વધારાને લઈ કેન્દ્ર સરકારની ટીકા કરવાની સાથે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની `ઇંધણ લૂંટ' રોજેરોજ નાના કે મોટા હપ્તામાં થઈ રહી છે.
કેન્દ્રની ટીકા કરતા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, 45 દિવસમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કર્યા બાદ એમાં ફરી સાડા ત્રણ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
સાઠ દિવસમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂા. 457.5નો વધારો કર્યા બાદ ફરી એમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સૂરજેવાલાએ એક ટ્વીટમાં કહ્યુ ંહતું. લગભગ બે કરોડ પરિવારો માટે બીજી વખત સિલિન્ડર રિફિલ કરવાનું અશક્ય બનાવ્યા છતાં મોદી સરકારની રોજે રોજ ઇંધણની લૂંટ નાના-મોટા હપ્તામાં ચાલી રહી છે.
કૉંગ્રેસના નેતાએ રૂપિયાના ઘટાડાને લઈને પણ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જે અમેરિકન ડૉલર સામે બાર પૈસા ઘટી 77.74 રૂપિયા જેટલો થયો હતો.
રૂપિયો, પેટ્રોલ અને ગૅસ સિલિન્ડર સ્પર્ધા કરી રહ્યા છે દરેક ભારતીયો ચિંતિત છે, શું પીએમ-એફએમ `કેર' કરે છે? ગૅસ સિલિન્ડર હવે રૂા. 1003 નોટ આઉટ! તમામ ગૃહિણીઓ વતી આભાર મોદીજી સૂરજેવાલાએ એક વધુ ટ્વીટ કરી જણાવ્યું હતું. એઆઈસીસી મુખ્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહિલા કૉંગ્રેસનાં વડા નેટ્ટા ડિસોઝાએ કહ્યું, જો તમે આંકડાઓ પર નજર નાખશો તો કૉંગ્રેસના સમયમાં ડીઝલ અને પેટ્રોલ પર સબસિડી આપવામાં આવતી હતી. છેલ્લાં આઠ વરસમાં આ સરકારે લોકોના ખીસામાંથી 27.5 લાખ કરોડ રૂપિયા તિજોરી ભેગા કર્યા. 
મહિલાઓ જ્યારે ગૅસના વધતા ભાવોથી પરેશાન હોય ત્યારે તેમનું ઘર કેવી રીતે ચલાવી શકે, એમ તેમણે પૂછ્યું હતું. મહિલા કૉંગ્રેસ આ બહેરી-મૂંગી સરકારને જગાડવા માટે લોકોનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે, પણ આ સરકાર પાસે લોકોનો અવાજ સાંભળવાનો સમય કે સંવેદનશીલતા નથી, એમ તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer