34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો બદલ્યો
નવી દિલ્હી, તા.19 : રોડ રેજના 34 વર્ષ જૂના એક કેસમાં કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સશ્રમ એટલે કે સખત કેદની સજા ફટકારી છે. જે સાથે સિદ્ધુએ સરેન્ડર કરતાં પહેલા કોર્ટમાં કયૂરેટિવ પિટીશન ફાઈલ કરવા નિર્ણય લીધો હતો. જો કે એ કોર્ટ પર નિર્ધાર રહેશે કે તેની પિટીશન સાંભળે કે નહીં ? કોર્ટ ઈનકાર કરે તો સિદ્ધુ સરેન્ડર કરવા સમય માગી શકે છે.
સુપ્રીમ કોર્ટે જ્યારે સિદ્ધુને સજા જાહેર કરી તે સમયે તેઓ પંજાબમાં મોંઘવારી વિરુદ્ધ હાથી પર સવાર થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બાદમાં તેઓ પટિયાલાથી કાફલા અને વકીલો સાથે પોતાના નિવાસ સ્થાનેથી નિકળ્યા તો માનવામાં આવતું હતું કે તેઓ ચંડીગઢ ખાતે સરેન્ડર કરશે પરંતુ બાદમાં તેઓ પટિયાલા પાછા આવી ગયા અને પિટીશન ફાઈલ કરશે તેવું જાહેર કર્યુ હતું. પીડિત પરિવારે એક ટીવી મુલાકાતમાં સિદ્ધુએ પોતે રોડ રેજમાં વૃદ્ધને માર્યાની કરેલી કબૂલાતની સીડી કોર્ટમાં રજૂ કરી રિવ્યૂ પિટીશન કરી હતી. વર્ષ 1988માં સિદ્ધુ જ્યારે ક્રિકેટર હતા ત્યારે 27 ડિસેમ્બરના રોજ પટિયાલાની બજારમાં કાર પાર્ક કરવા બાબતે 65 વર્ષિય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો.
Published on: Fri, 20 May 2022