મુંબઈ, તા. 19 : વરલીમાં માછીમારો દ્વારા હાલ ચાલી રહેલા કોસ્ટલ (તટવર્તી) રોડ સામેના વિરોધની વચ્ચે પાલિકાએ બુધવારે જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટયૂટ અૉફ ઓસનોગ્રાફી (એનઆઈઓ) પાસેથી મળેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રસ્તાવ મુજબ બે થાંભલા વચ્ચે 60 મીટરનું અંતર પર્યાપ્ત છે.
બીએમસીએ જણાવ્યું હતું કે થાંભલા સાથે કોઈ હોડી કે બોટ ટકરાવવાથી અકસ્માત થાય તો આગામી 20 વર્ષ માટે વીમા કવચ પણ પૂરું પાડવામાં આવશે. માછીમારો બે થાંભલા વચ્ચે 200 મીટરના અંતરની માગણી કરી રહ્યા છે.
બીએમસીએ જણાવ્યું હતું કે થાંભલાઓની આસપાસ પ્રોટેક્ટિવ શિલ્ડ કે ફેન્ડર્સ લગાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય બોટ સાથે કે જહાજ સાથે કોઈ હોડી ટકરાય આ ફેન્ડરો ગાદી જેવી મુલાયમ અસર પૂરી પાડે એવી રીતે તેમને બનાવવામાં આવ્યા છે.
બીએમસીએ જણાવ્યું હતું કે કટોકટીના સમયમાં તરત જ મદદ પૂરી પાડવા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા સીસીટીવી કેમેરા પણ બેસાડવામાં આવશે. જો કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કોઈ થાંભલા સાથે ટકરાય કે અથડામણના કારણે કોઈ અકસ્માત થાય તો આગામી 20 વર્ષ માટે અકસ્માત વીમા કવચની જોગવાઈ પણ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત માછીમારને વચગાળાનું વળતર પણ અપાશે.
Published on: Fri, 20 May 2022