હનુમાન ચાલીસા વિવાદ : મનસે નેતાઓના આગોતરા જામીન મંજૂર

મુંબઈ, તા. 19 : મુંબઈ પોલીસે ગુનો નોંધ્યા બાદ ગત કેટલાક દિવસથી ગૂમ થનાર મનસે નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને મોટી રાહત મળી છે. આ બંને નેતાઓના સેશન્સ કોર્ટે અટક પૂર્વે શરતી જામીન મંજૂર કર્યાં છે. સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને અદાલતે શરતી અટક પૂર્વે જામીન મંજૂર કર્યા બાદ તેમણે 23મી મેએ સવારે 11થી બપોરે બે વાગ્યા દરમિયાન શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં હાજર રહીને પોલીસ તપાસમાં સહકાર આપવાનો છે. તેમ જ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રત્યેક મહિનાની પહેલી તારીખ અને 16 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, એમ વિશેષ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું તેમ જ દેશપાંડે અને ધુરી જો તપાસમાં યોગ્ય સહકાર નહીં આપે તો તેમના અટક પૂર્વે જામીન રદ કરવા પોલીસ અદાલતમાં જઇ શકે છે, એમ ઘરતે જણાવ્યું હતું. 
મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદ ઉપરના લાઉડ સ્પીકરનો વિરોધ નોંધાવ્યા બાદ ચોથી મેએ પક્ષના કાર્યકર્તાઓએ મસ્જિદ સામે હનુમાન ચાલીસાનું પઠન કરતા પોલીસે કેટલાક મનસે કાર્યકર્તાને તાબામાં લિધા હતા. શિવાજી પાર્ક ખાતે સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને તાબામાં લેવા ગયેલી પોલીસની સામે જ દેશપાંડે અને ધુરી ખાનગી વાહનમાં ફરાર થયા હતા. તે સમયે મહિલા પોલીસ કર્મચારી રસ્તા ઉપર પડીને ઇજાગ્રસ્ત થતા મનસેના બંને કાર્યકર્તાઓ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.  
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer