મુંબઈને મળશે સાતમું ટર્મિનસ

મુંબઈને મળશે સાતમું ટર્મિનસ
2025 સુધીમાં થશે તૈયાર
જોગેશ્વરી અને રામમંદિર વચ્ચે રૂા. 70 કરોડના ખર્ચે ટર્મિનલ બાંધવાને મંજૂરી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : જોગેશ્વરીમાં બહારગામની ટ્રેનો માટે 70 કરોડના ખર્ચે ટર્મિનસ બાંધવા માટેની મંજૂરી રેલવે બોર્ડે આપી દીધી છે. 2025 સુધીમાં એનું કામ પુરું કરી દેવાશે. અહીંથી ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર ભારતની લાંબા અંતરની ટ્રેનો ઉપડશે અને આવશે. અત્યારના જે વેસ્ટર્ન રેલવેના જે ત્રણ ટર્મિનસ છે એની ક્ષમતા પૂરી થવાની તૈયારીમાં હોવાથી જોગેશ્વરીને ટર્મિનલ બનાવવાને મંજૂરી અપાઈ છે. મુંબઈનું એ સાતમું ટર્મિનસ હશે. 
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું કે બાંદ્રા અને મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસથી બાર ટ્રેનોને જોગેશ્વરી શિફ્ટ કરવાની યોજના છે. ત્યાં એક આઈલેન્ડ પ્લેટફૉર્મ હશે અને એને લીધે બહારગામની બે ટ્રેને એકસાથે હેન્ડલ કરી શકાશે. 24 ડબ્બાની ટ્રેનોને ત્યાં સમાવી શકાશે. ટર્મિનસ ખાતે એક સ્ટેબ્લિગ લાઈન પણ હશે. 
રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે તેજસ અને ટ્રેન 18 (વંદે ભારત) પણ જોગેશ્વરી ટર્મિનલથી ઉપાડવાની અમારી યોજના છે. રેલવે ખાનગી ટ્રેનો પણ દોડાવવા માગતું હોવાથી આ ટર્મિનસ જરૂરી બની ગયું હતું. ટ્રેન-18 લોકલ ટ્રેન જેવી હોય છે અને એ બન્ને છેડેથી દોડી શકે છે અને એમાં લોકોમોટિવ લગાવવાની જરૂર હોતી નથી. 
રામમંદિર અને જોગેશ્વરી સ્ટેશન વચ્ચે પૂર્વની બાજુએ આ ટર્મિનસ બંધાશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી તથા લોકલ અને મેટ્રોથી ટર્મિનસ પહોંચી શકાશે. અંધેરી-દહિસર વચ્ચેની મેટ્રો લાઈન-7 અને લોખંડવાલા-વિક્રોલી વચ્ચેની મેટ્રો-6 ટર્મિનસ સાથે કનેકટેડ હશે. મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું કે નવી ટ્રેનો માગણી થશે તો એને પણ ત્યાંથી શરૂ કરાશે. 
જોગેશ્વરી ખાતે 70 કરોડના ખર્ચે નવું ટર્મિનસ બાંધવાનો પ્રસ્તાવ વેસ્ટર્ન રેલવેએ નવેમ્બર, 2021માં રેલવે બોર્ડને મોકલેલો. બોર્ડે 12 મેના એને મંજૂરી આપી હતી. 
મુંબઈમાં અત્યારે કુલ છ ટર્મિનસ છે. વેસ્ટર્ન રેલવેમાં ત્રણ અને મધ્ય રેલવે પાસે પણ ત્રણ ટર્મિનસ છે.  મુંબઈ સેન્ટ્રલ ટર્મિનલથી અત્યારે 40 ટ્રેન, બ્રાંદ્રાથી 50 અને દાદરથી અત્યારે 10 ટ્રેનો ઓપરેટ થાય છે. હવે આ ત્રણે ટર્મિનસની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. એ સિવાય બાંદ્રા. દાદર કે મુંબઈ સેન્ટ્રલથી નવી થ્રુ ટ્રેનો શરૂ કરાય તો લોકલ ટ્રેનો સમયપત્રકમાં બાધા પડે છે. 
રેલવેએ ટર્મિનસ ખાતે પ્લેટફૉર્મ ઉપરાંત ટિકિટ વિન્ડો, પ્રતિક્ષા કક્ષ વગેરે સવલતો પણ ઊભી કરવાની હોય છે. જોકે ત્યાં ટ્રેન માટે કોઈ મેઈન્ટેનન્સની સવલત ઊભી નહીં કરાય કારણ કે જે ટ્રેનો બહારગામથી આવશે એને એક કલાકની અંદર રવાના પણ કરી દેવાશે. ટ્રેનો જ્યાંથી આવતી હશે ત્યાં જ એનું મેઈન્ટેનન્સનું ધ્યાન રખાશે અને આમ ટ્રેનોની સલામતી સાથે પણ કોઈ બાંધછોડ થશે નહીં. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer