હાર્દિકના ભાજપપ્રવેશનો તખતો તૈયાર

હાર્દિકના ભાજપપ્રવેશનો તખતો તૈયાર
શક્તિપ્રદર્શન સાથે કમલમમાં કેસરિયો ધારણ કરશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 19 : ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે.  
કૉંગ્રેસમુક્ત બન્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ગુજરાતની જનતા અને સમાજની માફી માગી હતી. એટલું જ નહીં, ભાજપની તરફેણમાં બોલવા સાથે હિન્દુત્વની વાતો કરી હતી, સાથે સાથે કોંગ્રેસની અંદરની લડાઈને ચીઠ્ઠો ઉજાગર કરી દીધો હતો. હાર્દિક પટેલને લેવા માટે આમ આદમી પાર્ટીએ આવકાર તો આપ્યો છે પણ આ આવકાર મોળો હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હાર્દિકનું વલણ પણ આપમાં ભળવાનું જણાયું નથી. તો સામે પક્ષે ભાજપમાં જવાનો રસ્તો ખુલ્લો હોવાથી પોતાની સામેના અસંખ્ય પોલીસ કેસ, કોર્ટ કેસોમાં રાહત મેળવવા માટે એકમાત્ર ભાજપમાં જોડાવવું જ લાભદાયક હોવાનું સમજીને હાર્દિકે ભાજપમાં જ જોડાવવાનું મુનાસિબ માન્યું હોવાનું જાણવા મળ્યું છે. 
આગામી દિવસોમાં કમલમ ખાતે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer