રાજસાહેબનો વાળ પણ વાંકો થયો તો... મનસેની બેનરબાજી

રાજસાહેબનો વાળ પણ વાંકો થયો તો... મનસેની  બેનરબાજી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ  રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત અગાઉ મનસેએ મુંબઈમાં જોરદાર વાતાવરણ ઊભુ કર્યું છે. લાલબાગ અને શિવડીમાં મનસેએ કેટલાક બેનરો મૂકયાં છે. જેમાં રાજસાહેબ ઠાકરેનો વાળ પણ વાંકો થયો તો સંપૂર્ણ મહારાષ્ટ્ર ભડકે બળશે, એમ લખાયું છે. આ બેનરથી મનસેએ મહાવિકાસ આઘાડીને સૂચક ઇશારો કર્યો છે. થોડા દિવસ અગાઉ મસ્જિદ ઉપરના લાઉડ સ્પીકર વિરુધ્ધ આંદોલન શરૂ કર્યા બાદ રાજ ઠાકરે અને બાળા નાંદગાંવકરને ધમકીઓ મળી હતી. બાળા નાંદગાંવકરે તાકિદે ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલની મુલાકાત લઇ આ બાબતે ગંભીર નોંધ લેવાની માગણી કરી હતી. તો બીજી તરફ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. મનસે નેતા અને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અયોધ્યા જવાના છે જેને માટે 10 રેલવે ટ્રેનો બૂક કરી છે. 
રવિવારે પુણેમાં `રાજ' ગર્જના 
 મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની પુણેની સભાની તારીખ જાહેર થઇ છે. 21મી મેની સભા હવે 22મી મેએ રવિવારે યોજાનાર છે. પુણેના સ્વારગેટ વિસ્તારમાંના ગણેશ કલા ક્રીડા રંગમંચ ખાતે સાંજે સાત વાગ્યે રાજ ઠાકરેની જાહેરસભા થવાની હોવાની માહિતી મનસે નેતા બાળા નાંદગાંવકરે આપી હતી. રાજ ઠાકરેને અયોધ્યા મુલાકાત પહેલા અનેક વિષયો ઉપર પોતાના વિચાર વ્યકત કરવા છે તેથી તેમણે પુણેમાં જાહેરસભા બોલાવી હોવાનું નાંદગાંવકરે વધુમાં જણાવ્યું છે. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer