નવી દિલ્હી, તા. 19 : ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની ભલમાણો કેન્દ્ર અને રાજ્ય સરકારોને બંધનકારક નથી, એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, સંસદ અને રાજ્યોના વિધાનમંડળો જીએસટીના કાયદા ઘડવા માટે સમાન સત્તા ધરાવે છે અને જીએસટી કાઉન્સિલ સલાહ અને ભલામણ કરવાનું છે.
કેન્દ્ર સરકાર કેટલાક આયાતકારો સાથે સર્વોચ્ચ અદાલતમાં દરિયાઈ માર્ગે થતા આયાતી માલના પરિવહન ઉપર જીએસટી લાગુ કરવા સંદર્ભે કાયદાકીય લડત લડી રહી છે.
ગુજરાત વડી અદાલતે દરિયાઈ માર્ગે આવતા માલ ઉપર ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઈજીએસટી) લાગુ કરવો ગેરબંધારણીય હોવાના આપેલા ચુકાદા સામે કેન્દ્ર સરકારે કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડના નેજા હેઠળની બેન્ચે તેમના ચુકાદામાં જણાવ્યું કે જીએસટી કાઉન્સિલનો હેતુ ભલામણો કરી તેનો અમલ થાય તેવો હોય છે, એવું સંસદે ગૃહિત ધર્યું છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જીએસટીની વિવિધ જોગવાઈઓ જે અદાલતની સમીક્ષા હેઠળ છે, તેનું ભાવિ બદલાઈ જવાની શક્યતા છે.
Published on: Fri, 20 May 2022
જીએસટી કાઉન્સિલની ભલામણો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે બંધનકારક નથી : સુપ્રીમ કોર્ટ
