મથુરા કોર્ટે ઈદગાહ હટાવવાની અરજી સ્વીકારી

મથુરા કોર્ટે ઈદગાહ હટાવવાની અરજી સ્વીકારી
પહેલી જુલાઈએ સુનાવણી
મથુરા, તા.19 : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યા બાદ હવે મથુરા સ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિની ચર્ચા ઉઠી છે. લોકો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો સર્વે કરાવવાની માગ કરી રહયા છે. દરમિયાન મથુરા સિવિલ કોર્ટે ટાઈટલ સૂટ પર મંજૂરી આપી છે. જમીન વિવાદ પર અરજીનો સ્વીકાર કર્યો છે. મામલો હવે નીચલી કોર્ટમાં ચાલશે.
મથુરાની  કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનના માલિકી હકની માગ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેને કોર્ટે સુનાવણી માટે મંજૂર કરી છે. 1 જૂલાઈથી તેના પર સુનાવણી શરુ થશે. અરજીમાં ર.37 એકર જમીનને મુક્ત કરાવવાની માગ કરાઈ છે. કહેવામાં આવ્યુ છે કે શ્રીકૃષ્ણ વિરાજમાનની કુલ 13.37 એકર જમીનમાંથી આશરે 11 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મસ્થાન સ્થાપિત છે. 
શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માગ ઘણી જૂની છે. વર્ષ ર0ર0માં કોર્ટે મસ્જિદ હટાવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. કટરા કેશવ દેવ મંદિરના 13.37 એકર પરિસરમાંથી મસ્જિદને હટાવવાની માગ કરતાં અલગ અલગ હિંદુ સમુહોએ મથુરાની અદાલતોમાં 10 જેટલી અલગ અલગ અરજીઓ કરી હતી.જેમાં દાવો કરાયો હતો કે મસ્જિદને શ્રીકૃષ્ણના જન્મ સ્થળ પર બનાવવામાં આવી છે. અરજીમાં જણાવાયુ કે મોટાભાગના હિંદુઓ માને છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ એ સ્થળ પર થયો હતો જયાં મસ્જિદ છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં લોઅર કોર્ટમાં મામલો નામંજૂર થયા બાદ જિલ્લા કોર્ટમાં અપીલ કરાઈ હતી જેની રિવીઝન પિટીશનનો કોર્ટે સ્વીકાર કર્યો છે. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer