સેન્સેક્ષ 1417 પૉઇન્ટ્સ તૂટયો : સાત લાખ કરોડની મૂડીનું ધોવાણ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વધી રહેલા ફુગાવાની ચિંતા વચ્ચે જાગતિક મધ્યસ્થ બૅન્કો દ્વારા ધિરાણદરો વધારવાની ભીતિની અસરે ગુરુવારે ભારતીય શૅરબજારો ફરીથી મંદીના સંકજામાં સપડાયાં હતાં. સેન્સેક્ષ સત્રના અંતે 1417.01 પૉઇન્ટ્સના કડાકા સાથે 52,791.52 પૉઇન્ટ્સના સ્તરે બંધ આવ્યો હતો અને આજના ઘટાડામાં રોકાણકારોની રૂા. સાત લાખ કરોડની મૂડીનું ધોવાણ થયું હતું. નિફ્ટીએ પણ 431 પૉઇન્ટ્સ ગુમાવી 15,809 પૉઇન્ટ્સના નવા નીચલા સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી મિડકૅપ બે ટકા અને સ્મોલકૅપ ઇન્ડેક્સ પણ બે ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા.
અમેરિકામાં રિટેલ ફુગાવો વધીને 8.2 ટકા થવાના કારણે તે ચાર દાયકાના સ્તરની ઉપર પહોંચ્યો છે. સતત વધી રહેલા ફુગાવાના કારણે યુએસ ફૅડ રિઝર્વ ધિરાણદર આગળ જતાં વધારવાનું ચાલુ રાખશે એવા સંકેતોથી પણ શૅરબજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડયું હતું. અમેરિકામાં બેરોજગારીનો દર પણ એપ્રિલ માસમાં 3.6 ટકા રહ્યો છે જે મહામારીના 3.5 ટકા કરતાં પણ વધારે હોવાથી અર્થશાત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
દરમિયાન, સ્થાનિકમાં આરબીઆઇની એમપીસીની પાછલી બેઠકની મિનટ્સ મુજબ આરબીઆઇ વધી રહેલા ફુગાવાને નાથવા માટે આગામી બેઠકમાં પણ ધિરાણદર વધારશે એવી ખાતરી રોકાણકારોને હોવાથી વેચવાલીના દબાણ હેઠળ બજારો આવ્યાં છે.
વૈશ્વિક પરિબળોમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડતેલના ભાવ પણ સતત 110 ડૉલર પ્રતિ બૅરલ રહેવાથી કૉમોડિટીના ભાવ નજીકના ભવિષ્યમાં મચક નહીં આપે એ કારણે પણ બજારમાં સતત વેચવાલીનું દબાણ બન્યું છે.
યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને એફઆઇઆઇ દ્વારા પણ મે માસ સુધીમાં રૂા.38,000 કરોડની વેચવાલી થવાથી બજારમાં તેજીને ટેકો મળી નથી રહ્યો.
વૈશ્વિક શૅરબજારોમાં આજે ભારે ધોવાણ જોવા મળ્યું હતું. એશિયન શૅરબજારોમાં જપાનનો નિક્કી 1.89 ટકા, શાંઘાઇ 2.54 ટકા અને કોસ્પી 1.28 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા. જ્યારે યુરોપનાં બજારો બેથી અઢી ટકાના ઘટાડા સાથે શરૂ થયા હતા. રૂપિયો ડૉલર સામે સાત પૈસા નબળો પડી રૂા. 77.45 રનિંગ હતો જ્યારે વૈશ્વિક બજારમાં સોનું 6.20 ડૉલર વધી 1822.10 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 1.36 ડૉલર ઘટી 107.75 ડૉલર રનિંગ હતું.
Published on: Fri, 20 May 2022
મોંઘવારી વધવાની ચિંતાથી શૅરબજારો ભયભીત
