જ્ઞાનવાપી : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

જ્ઞાનવાપી : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
વારાણસી કોર્ટમાં બીજો સર્વે રિપોર્ટ સુપરત
ત્રિશૂળ, ડમરું, કમળ સહિતના સનાતન ધર્મનાં ચિહનો હોવાના અહેવાલ
નવી દિલ્હી, તા.19 : યુપીના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી ટાળી વારાણસી કોર્ટને હાલ કોઈ સુનાવણી ન કરવા તથા કોઈ આદેશ જાહેર ન કરવા નિર્દેશ આપ્યો છે.
જ્ઞાનવાપી વિવાદમાં સુપ્રીમ કોર્ટ હવે શુક્રવારે બપોરે 3 વાગ્યાથી સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ વારાણસી કોર્ટમાં ગુરુવારે કોઈ સુનાવણી થઈ ન હતી. શુક્રવારે પણ આ અંગે કોઈ અદાલતી કાર્યવાહી નહીં થાય. હિંદુ પક્ષે સુપ્રીમમાં આ મામલે સુનાવણી શુક્રવાર સુધી ટાળવા માગ કરી હતી. વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે મુખ્ય વકીલ હરિશંકર જૈનને હાર્ટ એટેક આવ્યો છે એટલે સુનાવણીને કાલ સુધી ટાળવામાં આવે. મુસ્લિમ પક્ષ વતી હુજેફા અહમદીએ કહ્યુ કે આ મામલાને કારણે અન્ય જગ્યાઓએ પણ કેસ દાખલ થઈ રહ્યા છે.એટલે અમારી માગ છે કે મામલાની સુનાવણીમાં મોડું કરવામાં ન આવે. આજે પણ વારાણસીની કોર્ટમાં અરજી કરાઈ છે કે મસ્જિદની દીવાલ તોડી નાખવામાં આવે. અમને આશંકા છે કે આ મામલે આદેશ આવી શકે છે. 
સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેંચે શુક્રવાર સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી હતી. સાથે કોર્ટે સુનાવણી ટાળી હતી. હવે આવતીકાલે 3 વાગ્યાથી સુનાવણીનો આરંભ થશે. બીજીતરફ જ્ઞાનવાપી મામલે વારાણસી કોર્ટમાં સર્વેનો અંતિમ રિપોર્ટ જમા કરાવી દેવાયો છે. જેમાં સર્વેના 3 દિવસની વિગતો રજૂ કરવામાં આવી છે.
જ્ઞાનવાપી મસ્જિદનો 3 દિવસ સુધી સર્વે કરાયા બાદ 12 પાનાનો રિપોર્ટ સહાયક કોર્ટ કમિશનર વિશાલ સિંહ દ્વારા વારાણસીની કોર્ટમાં રજૂ કરાયો છે. સુપ્રીમ કોર્ટે જિલ્લા કોર્ટને હાલ કોઈ કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો છે જેને પગલે ગુરુવારે સુનાવણી ટળી હતી. લોઅર કોર્ટ આ રિપોર્ટ મામલે તા.23ને સોમવારે સુનાવણી કરશે. રિપોર્ટને આધારે આગળ શું કરવું ? તે કોર્ટના નિર્દેશથી નક્કી થશે.
દરમિયાન સર્વે રિપોર્ટની બહાર આવેલી વિગતો (બિનસત્તાવાર) ને ટાંકી દાવો કરાઈ રહ્યો છે કે જ્ઞાનવાપીના સર્વેમાં હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા અનેક નિશાન અને પુરાવા મળ્યા છે. શિવલિંગના આકારના પથ્થર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે તો મસ્જિદમાં ઠેર ઠેર સ્વસ્તિક, ત્રિશૂળ તથા કમળ જેવી કલાકૃતિઓ મળ્યાની વાત કહેવામાં આવી છે. હિંદુ પક્ષકારો તરફથી વકીલ હરિશંકર જૈને મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. શિવલિંગને ફૂવારો ગણાવાઈ રહ્યો છે તો 352 વર્ષ પહેલા ફૂવારો ક્યાં હતો? તેમાં કોઈ જગ્યા નથી તો પાણી ક્યાંથી આવતું હતું? પાણી સપ્લાયની કોઈ વ્યવસ્થા મળી નથી ત્યાં હિંદુ દેવી-દેવતાઓ, સ્વસ્તિક અને ઓમના ચિહૃન મળ્યા છે. રિપોર્ટમાં કૂવો તથા 3 વૃક્ષનો ઉલ્લેખ છે. પીઓપી લગાવીને સત્ય છૂપાવવા પ્રયાસ કરાયાનો તેમણે આરોપ લગાવ્યો હતો. 
વધુમાં રિપોર્ટ અંગે દાવો કરાયો છે કે એક તહેખાનામાં દીવાલ ઉપર જમીનથી લગભગ 3 ફૂટ ઉપર પાનના પત્તાના આકારની 6 કલાકૃતિઓ બનેલી હતી. તહખાનામાં 4 દરવાજા હતા. તેના સ્થાને નવી ઈંટો લગાવી તેને બંધ કરી દેવાયા હતા. 8-8 ફૂટના 4 સ્તંભ મળ્યા હતા. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer