રૉયલ્સ સામે સુપર કિંગ્સનો પરાજય

રૉયલ્સ સામે સુપર કિંગ્સનો પરાજય
મોઈનની હવાઈ સવારી છતાં રાજસ્થાન સામે ચેન્નઈનું ક્રૅશ લૅન્ડિંગ 
ધોનીની ટીમના 150 રનનું લક્ષ્ય રાજસ્થાને 19.4 અૉવરમાં આંબ્યું
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 20 : મોઈન અલીના 93 રનની ધમાકેદાર ઈનિંગથી 20 અૉવરમાં છ વિકેટે માંડ 150 રન નોંધાવનારી ચેન્નઈની ટીમનો રાજસ્થાન સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. ધોનીના ધૂરંધોરેને 150 રસ સુધી સીમિત રાખ્યા બાદ રાજસ્થાન રૉયલ્સ તરફથી યશવંત જયસ્વાલે સર્વાધિક 59 રન કર્યા હતા અને રવિચંદ્રન અશ્વિને અણનમ 40 રન કર્યા હતા. 19.4 અૉવરમાં પાંચ વિકેટ ગુમાવી રાજસ્થાનની ટીમે 151 રન કરી ચેન્નઈ સુપરકિંગ્સને પરાજિત કરી હતી.
 નસીબ યારી ન આપતું હોય ત્યારે સારી શરૂઆત પણ ટીમને સારો સ્કૉર આપી શકતી નથી. આ બાબત ચેન્નઈ સુપરાકિંગ્સ માટે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં એકદમ સાચી પડી. ટૉસ જીત્યા બાદ પ્રથમ બાટિંગમાં ઉતરેલા ચેન્નઈએ પાવરપ્લૅમાં 75 રન ફટકારી નાખ્યા હતા અને જે રીતે મોઈન અલી રમી રહ્યો હતો, રાજસ્થાનના બૅટ્સમૅનો સામે 200થી વધુના લક્ષ્યાંકને ચૅઝ કરવાનું આવશે એવું લાગતું હતું, પણ મોઈનને બાદ કરતાં ચેન્નઈનો એક પણ બૅટ્સમૅન ચાલ્યો નહીં અને છેવટે છ વિકેટે 150 રનથી સંતોષ માનવો પડ્યો હતો. મોઈને 57 બૉલમાં 93 રન કર્યા હતા, પણ આમાંના 50 રન તો માત્ર 19 બૉલમાં કર્યા હતા. 
ચેન્નઈની શરૂઆત જ અપશુકનિયાળ થઈ હતી, કેમ કે પહેલી અૉવરના છેલ્લા દડે અૉપનર ઋતુરાજ ગાયકવાડ ટ્રેન્ટ બૉલ્ટની બાલિંગમાં વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ઝીલાઈ ગયો હતો. બીજી અૉવરમાં પ્રસિધ ક્રિશ્નનને માત્ર એક જ રન આપ્યો, પણ આ કમનસીબ શરૂઆતમાં આશીર્વાદ છુપાયેલા હતા. કેમ કે, ત્રીજી અૉવરમાં કૉનવેએ બૉલ્ટને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. એ પછીની અૉવરમાં મોઈને ક્રિશ્નનને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી જાણે કે આ પહેલાંની અૉવરનું સાટું વાળી લીધું. દાવની પાંચમી જ અૉવરમાં આક્રમણમાં ઉતરેલા રવિચંદ્રન અશ્વિનને પણ મોઈને બે ફૉર અને એક સિક્સર ફટકારી અને પોતાનું શ્રેષ્ઠ છઠ્ઠી અૉવર માટે બાકી રાખ્યું હોય એમ બૉલ્ટને પહેલા જ દડે તાતિંગ છગ્ગો ફટકાર્યા બાદ લાગલગાટ પાંચ ચોગ્ગા માર્યા અને 19 બૉલમાં અડધી સદી પૂરી કરી અને પાવરપ્લૅમાં રાજસ્થાનની શક્તિ હણી લીધી હતી.  મોઈનના આક્રમણ સામે ડેવોન કૉનવે તો સાવ ઢંકાઈ ગયો હતો અને દાવની આઠમી અૉવરમાં અશ્વિને તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તેણે 14 બૉલમાં 16 રન કર્યા હતા. ત્રણ અૉવરના ગાળામાં કૉનવે પછી જગદીશનની વિકેટ પણ પડી અને બૅટ્સમૅનો માત્ર 11 રન કરી શક્યા હતા. ટોટલમાં વધુ એક રન ઉમેરાયો અને યુઝવેન્દ્ર ચહલે એક મૅચ માટે પડતો મુકાયા બાદ પાછા ફરેલા `િરટાયરમૅન્ટ' રાયડુને દેવદત્ત પડિક્કલના હાથમાં ઝિલાવી દીધો હતો. આ તબક્કે, સુકાની ધોની પીચ પર આવ્યો અને મોઈન સાથે 51 બૉલમાં 50 રન ઉમેર્યા. જો કે, પાવરપ્લૅની અૉવર પછીનો ચોગ્ગો તો છેક પંદરમી અૉવરમાં એટલે કે 45 બૉલ પછી ધોનીએ ફટકાર્યો હતો. 19મી અૉવરના છેલ્લા દડે ઊંચો ફટકો મારવાના પ્રયાસમાં ચહેલની બાલિંગમાં બટલરના હાથમાં ઝિલાઈ ગયો હતો. તો, વીસમી અૉવરના પહેલા બૉલ પર મોઈન પણ મોટો શૉટ મારવા ગયો અને મૅક્કોયની બાલિંગમાં રિયાન પરાગને કૅચ આપી બેઠો હતો. ધોનીએ 28 બૉલમાં 26 રન કર્યા હતા, તો 57 બૉલમાં 93 રન કરી મોઈને ટીમના લક્ષ્યાંકમાં સિંહફાળો આપ્યો હતો. તેણે 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મોઈને 11 છગ્ગા તો પહેલી છ અૉવરમાં જ ફટકાર્યા હતા. રાજસ્થાનની બાલિંગમાં બૉલ્ટને બાદ કરતાં બધા બૉલરોએ સારો દેખાવ કર્યો હતો. અશ્વિનની પહેલી અૉવરમાં 16 રન આવ્યા બાદ તેણે ચાર અૉવરમાં કુલ 28 રન આપી એક વિકેટ લીધી હતી. તો, ચહલ અને મૅક્કોયે અનુક્રમે 26 અને 20 રન આપી બે-બે વિકેટો લીધી હતી. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer