અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 : દુનિયાની બજારમાં સોનાનો ભાવ એક સપ્તાહની ઉંચી સપાટીએ શુક્રવારે પહોંચ્યો હતો. ડોલર નબળો પડવાને લીધે સોનાને સુધારા માટે જગ્યા મળી જતા 1840 ડોલર પ્રતિઔંસની સપાટીએ રનીંગ હતો. ચાંદીનો ભાવ 21.93 ડોલર હતો. રાજાકિય અને આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં સોનાની સલામત રોકાણ માટેની માગમાં વધારો થયો હતો.
અમેરિકા સહિતના અર્થતંત્રોમાં રિસેશનની ચિંતા છે અને એ કારણથી ઇક્વિટી માર્કેટમાં જબરી વધઘટ થઇ ગઇ છે, સોનાની બજારને એ કારણે પણ ટેકો મળ્યો છે.
અમેરિકામાં બેરોજગારીના દાવાઓ અપેક્ષા કરતા વધારે આવ્યા હતા એ કારણે આર્થિક વિકાસ આજે અંતરાયો સર્જાવાનો ભય લાગી રહ્યો છે.
ડોલરમાં પણ ઘટાડો શરૂ થયો છે. ચાલુ સપ્તાહે નોંધપાત્ર નરમાઇ આવી છે અને વૈશ્વિક સ્તરે શેરબજારો પણ તૂટ્યાં હોવાથી ડોલરને વધુ અસર થઇ છે. નબળો આર્થિક વિકાસ અને ઉંચો ફુગાવો બધાને નડે તેવો ફફડાટ છે.
ચાલુ સપ્તાહમાં સોનાના ભાવ સાડા ત્રણ મહિનાની તળિયાની સપાટીએ ગયા પછી 1.8 ટકા જેટલી રિકવરી આવી છે. ઇટીએફની ખરીદીમાં વધારો થયો છે. ઇટીએફના રોકાણકારો પરત ફરે તો તેજી આગળ ચાલશે. હાલ પૂરતું સોનામાં 1780થી 1860 ડોલરની રેન્જ રહે તેવી ધારણા મૂકાય છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.200ના સુધારામાં રૂ. 52600 અને ચાંદીનો ભાવ રૂ. 1300 ઉંચકાતા રૂ.63000 હતો. મુંબઇમાં સોનાનો ભાવ રૂ. 345 વધતા રૂ.51027 અને ચાંદી રૂ. 917 વધતા રૂ. 62004 હતી.
Published on: Sat, 21 May 2022
ડૉલર નબળો પડતાં સોનાના ભાવ ફરી વધ્યા
