સ્થાનિક અૉફિસ બોરોઅર્સ અને હિતધારકો વચ્ચે એનડીબીની સક્રિયતા વધારશે
બાજિંગ, તા. 20 (પીટીઆઈ ): બ્રિક્સ દેશોની ન્યુ ડેવેલપમેન્ટ બૅન્કે (એનડીબી) ભારતમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી (ગિફ્ટ સીટી)માં તેની સ્થાનિક અૉફિસ ખોલવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેઈનેબલ વિકાસની દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે એ કામ કરશે. સ્થાનિક અૉફિસ હેડ અૉફિસ સાથે મળીને પ્રોજેક્ટ ઓરીજીનેશન, પ્રોજેક્ટની શરૂઆતની તૈયારી, ટેક્નિકલ મદદ, પાઈપલાઈન ડેવેલપમેન્ટ, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, તેમજ મોનીટરીંગ અને સ્થાનિક પોર્ટફૉલિયો મૅનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ બૅન્કે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે.
ચીનમાં શાંઘાઈ ખાતે હેડ ક્વાર્ટર ધરાવતી એનડીબીની સ્થાપના બ્રિક્સ દેશોએ કરી હતી, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશો છે. બૅન્ક વિધિવત રીતે જુલાઈ, 2015માં કાર્યરત થઇ હતી. પાંચ સ્થાપક દેશો ઉપરાંત એનડીબી એ બાંગ્લાદેશ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ), ઉરુગ્વે અને ઇજિપ્તને સભ્ય તરીકે લીધા હતા. આમ કરવાથી બૅન્કનો વૈશ્વિક વ્યાપ વધ્યો છે.
ભારતની સ્થાનિક અૉફિસ બોરોઅર્સ અને હિતધારકો વચ્ચે એનડીબીની સક્રિયતા વધારશે. સ્થાનિક અૉફિસને લીધે અમારી જમીન પરની હાજરી વિસ્તરશે અને પ્રોજેક્ટની તૈયારી અને અમલમાં ફાળો આપશે, એમ એનડીબીના પ્રમુખ માર્કોસ ત્રોય્જોએ કહ્યું હતું.
એનડીબીની સ્થાપના થઇ એ પછી બૅન્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેઇનેબલ પ્રોજેક્ટસનો મજબૂત અને વૈવિધ્યપૂર્ણ પોર્ટફૉલિયો ઊભો કર્યો છે. અમારી સ્થાનિક અૉફિસો પોર્ટફૉલિયોના સફળ વિકાસમાં સાધનરૂપ બની છે. આ સંદર્ભમાં ભારતની સ્થાનિક અૉફિસ બૅન્કની કામગીરીની ગુણવત્તા અને જટિલતા વધારવાના બૅન્કના પ્રયત્નોનો ભાગ છે. તેને લીધે બિઝનેસ અને વિકાસની તકોની નેટવર્ક ઊભી થશે, એમ પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું.
બૅન્કની સ્થાનિક અૉફિસ ભારત અને બંગલાદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેઇનેબલ વિકાસની જરૂરિયાતોને પૂરી કરશે અને દક્ષિણ એશિયામાં આર્થિક વિકાસ અને સસ્ટેઇનેબલ વિકાસમાં ફાળો આપશે.
બૅન્ક સ્થાનિક અૉફિસ ખોલવાના આખરી તબક્કામાં છે. ભારતની સ્થાનિક અૉફિસના ડિરેક્ટર જનરલની નિમણૂંક ટૂંક સમયમાં જાહેર થશે, એમ પ્રેસ રિલીઝે જણાવ્યું હતું.
Published on: Sat, 21 May 2022
બ્રિકસ બૅન્ક ગિફ્ટ સિટીમાં સ્થાનિક અૉફિસ ખોલશે
