રિઝર્વ બૅન્ક સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપશે

રિઝર્વ બૅન્ક સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપશે
નવી દિલ્હી, તા. 20 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ 2021-22ના નાણાં વર્ષ માટે સરકારને રૂ. 30,307 કરોડના ડિવિડન્ડની ચૂકવણીને મંજૂરી આપી છે. યુક્રેનમાં ચાલુ યુદ્ધ અને વૈશ્વિક અર્થતંત્ર અંગે ગભરાટ વચ્ચે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે.  
રિઝર્વ બૅન્કના બોર્ડે રૂ. 30,307 કરોડની સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. કન્ટીનજન્સી રિસ્ક બફર 5.50 ટકા જાળવી રખાયું છે, એમ આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું હતું. 
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળા સેન્ટ્રલ બોર્ડ અૉફ ડિરેક્ટર્સની શુક્રવારે મળેલી 596મી બેઠકમાં ડિવિડન્ડનો નિર્ણય લેવામાં આવ્યો હતો.    
ગયા વર્ષે મે મહિનામાં આરબીઆઇએ 9 મહિના (જુલાઈ, 2020થી માર્ચ, 2021)ના સમયગાળા માટે રૂ. 99,122 કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આરબીઆઇએ તેનું નાણાં વર્ષ સરકારના નાણાં વર્ષને સમકક્ષ બનાવતા 9 મહિના માટે ડિવિડન્ડ જાહેર કરાયું હતું. 
એ પહેલા આરબીઆઈ જુલાઈ-જૂનનું નાણાં વર્ષ રાખતી હતી, જ્યારે સરકારનું નાણાં વર્ષ એપ્રિલથી માર્ચ છે. બોર્ડે તેની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો તેમ જ તાજેતરના ભૂ-રાજકીય ઘટનાઓનું અવલોકન કર્યું હતું.  બોર્ડે એપ્રિલ, 2021થી માર્ચ, 2022 દરમિયાન આરબીઆઈના કામની સમીક્ષા પણ કરી હતી તેમજ 2021-22 માટેના વાર્ષિક અહેવાલ અને હિસાબને મંજુરી આપી હતી.  આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ ફેબ્રુઆરીની મિટીંગ પછી 2022-23માં જીડીપીનો વિકાસ 7.2 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો.
તે સમયે દાસે કહ્યું હતું કે, 2022-23ના જીડીપીના વિકાસનો અંદાજ 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યો છે.  
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer