શૅર દીઠ રૂ. 14નું આખરી ડિવિડન્ડ જાહેર
મુંબઈ, તા. 20 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)એ માર્ચ, 2022માં પૂરાં થયેલા ચોથા ત્રિમાસિક નફામાં 40 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. નફો ઘટીને રૂ. 1795.26 (રૂ. 3017.96) કરોડનો થયો છે. ઓટો ઈંધણના વેચાણમાં થયેલા નુક્શાનને કારણે રિફાઈનીંગના ઊંચા ગાળાનું ધોવાણ થતાં નફો ઘટ્યો હતો.
કંપનીએ વર્ષ 2021-22 માટે શૅરદીઠ રૂ. 14ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીના ચૅરમૅન અને મૅનાજિંગ ડિરેક્ટર પુષ્પકુમાર જોશીએ કહ્યું કે, વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકમાં પ્રત્યેક ક્રૂડતેલના બેરલને ઇંધણમાં ફેરવવા માટે કંપનીને 12.44 ડૉલરની આવક થઈ હતી જે સામે ગયા વર્ષના સમાનગાળામાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન 8.11 ડોલરની થઈ હતી. ક્રૂડતેલના પ્રોસાસિંગમાંથી ઇન્વેન્ટરી લાભને દૂર કરતાં તે પ્રતિ બેરલ 6.42 યુએસ ડૉલર નોંધાઈ હતી.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 22 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન પ્રતિ લિટરે રૂ. 10નો વધારો કરાયા પછી પણ તેમાં ખોટ થઈ છે, કારણ કે ક્રૂડતેલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરથી વધુ રહ્યાં હતાં. રાંધણ ગેસ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. 50નો વધારો કરાયો છતાં ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમતને સરભર કરી શકાય નહોતી.
ફાઈનાન્સ ડિરેક્ટર રજનીશ નારંગે કહ્યું કે, ભાવ સંબંધિત ચિંતા છે, કારણ કે ચોથા ત્રિમાસિકમાં નીચા નફામાં તે પ્રતાબિંબિત થયા છે.
જોશીએ કહ્યું કે, માર્ચ, 2022માં પૂરાં થયેલા વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 6382.63 (રૂ. 10,663.88) કરોડનો થયો છે અને આવક રૂ. 3.72 (રૂ. 2.69) લાખ કરોડની થઈ છે.
તેમણે કહ્યું કે, વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર સુધારા તરફી રહ્યું છે. માગમાં સુધારો અને આર્થિક ગતિવિધી વધતાં ક્રૂડતેલના ભાવમાં મજબૂતી જોવાઈ છે. ત્યાર પછી રશિયા-યુક્રેનની લડાઈને કારણે ભાવમાં તીવ્ર વધારો થયો હતો. જોકે, આખા વર્ષ દરમિયાન ભાવ 100 ડૉલરની ઉપર રહેવાની ધારણા છે. આ વર્ષના બીજા ત્રિમાસિકમાં ક્રૂડતેલ 103-111 ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા છે અને ત્રીજા ત્રિમાસકમાં 98-109 ડૉલર તથા ચોથા ત્રિમાસિકમાં 89-105 ડૉલરની વચ્ચે રહેવાની ધારણા છે.
Published on: Sat, 21 May 2022
એચપીસીએલનો માર્ચ ત્રિમાસિક નફો 40 ટકા ઘટયો
