મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ તેમની `બહુ જ પ્રચારિત' અયોધ્યા મુલાકાતને હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે અને જણાવ્યું છે કે પુણેની આગામી રૅલીમાં તેઓ આ અંગેની વિગતો જાહેર કરશે. રાજ ઠાકરેએ 6 જૂનના અયોધ્યા જવાની યોજના ઘડી હતી. જેને હાલ મુલતવી રાખી દીધી છે. ઉત્તર પ્રદેશ ખાતેના ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના ભારે વિરોધ વચ્ચે રાજ ઠાકરેએ આ જાહેરાત કરી હતી. બૃજભૂષણે એવી ચેતવણી આપી હતી કે ભૂતકાળમાં ઉત્તર ભારતીયોની સતામણી માટે જ્યાં સુધી રાજ ઠાકરે જાહેરમાં માફી નહીં માગે ત્યાં સુધી તેમને અયોધ્યામાં પ્રવેશવા દેવામાં આવશે નહિ.
મનસેના પ્રમુખે ટ્વીટર પર જણાવ્યું હતું કે `હાલ અયોધ્યાની મુલાકાત સ્થગિત કરવામાં આવે છે અને તેની વિગતો 22 મેના પુણેની રૅલીમાં જાહેર કરવામાં આવશે.' રાજ ઠાકરેની તબિયત સારી નથી એવા અહેવાલો વચ્ચે આ મુલાકાત મુલતવી રાખવામાં આવી છે.
ગયા મહિને એક રૅલી દરમિયાન રાજ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી.
આ વિષે વાત કરતાં મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે આ મુલાકાત રદ થવાનાં કારણો વિષે જાણવા લોકોએ રવિવારની રાહ જોવી પડશે.
મનસેના અન્ય નેતા બાલા નંદગાંવકરે જણાવ્યું હતું કે 22 મેના પુણેની રૅલી દરમિયાન રાજ ઠાકરે આ માટેનાં કારણો કહેશે. રાજ ઠાકરેની તબિયત વિષે પૂછવામાં આવતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે એ ખાનગી બાબત છે.
રાજકીય દબાણને કારણે લેવાયો હશે નિર્ણય : શિવસેના
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે મનસેના નેતાના આ નિર્ણય પાછળ રાજકીય કારણો હોઈ શકે છે. અયોધ્યાના લોકોએ રાજ ઠાકરેની મુલાકાતનો વિરોધ કર્યો હતો અને ભાજપના સાંસદે આ મુલાકાતનો વિરોધ કરીને લોકોના ગુસ્સાને પ્રદર્શિત કર્યો હતો.
રાઉતે જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે નિર્ધારિત સમય મુજબ 15 જૂનના અયોધ્યા જશે.
Published on: Sat, 21 May 2022