પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચારને ડામવા
મુંબઈ, તા. 20 : મુંબઈના પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચારને ડામવા શહેરના પોલીસ કમિશનર સંજય પાંડેએ પોલીસ સ્ટેશન ખાતે એક વર્ષની સર્વિસ બાદ વરિષ્ઠ પોલીસ ઇન્સપેક્ટરોના `અૉર્ડર્લી' (આદેશવાહકો), `મીલ સ્પેશિયલ' અને ઇન્ચાર્જની ટ્રાન્સફર (સ્થાનાંતરણ)નો આદેશ આપ્યો હતો.
અૉર્ડર્લી એ પોલીસ હોય છે જેને વરિષ્ઠ અધિકારીઓને મળતા પહેલાં બહારના લોકો મળતા હોય છે, જ્યારે `મીલ' વિશેષ અધિકારીઓ પોલીસ સ્ટેશનની મર્યાદામાં રહીને ગુપ્ત બાતમી એકઠી કરવા માટે જવાબદાર હોય છે, જ્યારે ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલોને કામ સોંપતો હોય છે.
આ ત્રણેય પ્રકારના કર્મચારીઓને પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્રો ગણવામાં આવે છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આદેશવાહકો અને `મીલ સ્પેશિયલ' કોન્સ્ટેબલો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો અન્ય લોકો તેમ જ પોલીસ કર્મચારીઓ તરફથી પોલીસ કમિશનરને મળતી હોય છે.
મુંબઈના પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોએ `આદેશવાહકો' અને મીલ સ્પેશિયલ કર્મચારીઓ અને ઇન્ચાર્જ અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે. જેમણે હોદ્દાની એક વર્ષની મુદત પૂરી કરી દીધી છે.
`કમિશનરે કહી દીધું હતું કે, જેણે પણ વરિષ્ઠ અધિકારીના અૉર્ડર્લી (આદેશવાહક) તરીકે એક વર્ષ પૂરું કરી દીધું છે તેમણે તેમ જ મીલ સ્પેશિયલ તથા ઇન્ચાર્જ જેમણે એક વર્ષ પૂરું કરી દીધું છે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવવી જોઈએ અને તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ ઇન્સપેક્ટરના અૉર્ડર્લી એટલે કે આદેશવાહકનો હોદ્દો મહત્ત્વનો છે, કારણ કે જેણે પણ વરિષ્ઠ અધિકારીને મળવું હોય તેણે પહેલાં આ આદેશવાહકને મળવું પડતું હોય છે જે ઘણીવાર વરિષ્ઠ અધિકારી અને ત્રીજા પક્ષકાર વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવતો હોય છે. એવી જ રીતે `મીલ સ્પેશિયલ' અને ઇન્ચાર્જને પણ ભ્રષ્ટાચાર કરવાની તકો મળતી હોય છે.
Published on: Sat, 21 May 2022