નવી દિલ્હી, તા. 20 : 34 વર્ષ પહેલાના રોડ રેજ કેસમાં સજા મળ્યા બાદ પંજાબ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ પટિયાલા કોર્ટ સામે સરેન્ડર કર્યું છે. હવે સિદ્ધૂને એક વર્ષ જેલમાં વિતાવવું પડશે. સિદ્ધૂને સરેન્ડર બાદ મેડિકલ તપાસ માટે પટિયાલાની માતા કૌશલ્યા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. રોડ રેજ કેસમાં સિદ્ધૂને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા સિદ્ધૂના વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહતની આશાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે સુપ્રીમમાંથી પણ રાહત મળી નહોતી.
સિદ્ધૂના મિડિયા સલાહકાર સુરિન્દર દલ્લાએ કહ્યું હતું કે, સિદ્ધૂએ મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ સામે સરેન્ડર કરી દીધું છે અને તેઓ ન્યાયીક હિરાસતમાં છે. મેડિકલ તપાસ બાદ અન્ય કાનુની પ્રક્રિયા કરવામાં આવશે. અગાઉ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ એએમ ખાનવિલકરની ખંડપીઠ સામે નવજોત સિદ્ધૂનો મામલો રજૂ કર્યો હતો અને સ્વાસ્થ્યનો હવાલો આપીને સરેન્ડ કરવામાં થોડો સમય આપવાની રજૂ આત કરી હતી. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું હતું કે, મામલો વિશેષ પીઠ સંબંધિત છે. આ મામલે મુખ્ય ન્યાયાધિશ સામે અરજી દાખલ કરીને સુનાવણીની માગણી કરવામાં આવે.
જો કે ચીફ જસ્ટિસની કોર્ટમાં અરજી કરવામાં આવી નહોતી. આ અગાઉ ચીફ જસ્ટિસ એનવી રમનાએ ઈમર્જન્સી મેન્શન મુદ્દે સ્પષ્ટ કર્યુ હતું કે અર્જેન્ટ મેન્શનિંગની યાદીમાં નોંધાયેલા મામલા સિવાય કોઈપણ પ્રકારની મેટર સાંભળવામાં આવશે નહી.
Published on: Sat, 21 May 2022