પુણે, તા. 20 : અમેરિકા જેવા શ્રીમંત દેશો પર પણ ફુગાવાની અસર જણાઈ રહી છે. તેથી તેની માટે બહુ ખોટું લગાડવાની જરૂર નથી, એમ સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું.
`ફુગાવો વધવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાકાળમાં સંપૂર્ણ અર્થતંત્ર સ્થિર બની ગયું હતું, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પડી ભાંગવા દીધું નહોતું અને આપણે આ માટે તેમની પ્રશંસા કરવી જોઈએ,' એમ તેમણે કહ્યું હતું.
રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોટકાઈ છે અને આયાત-નિકાસ પર માઠી અસર પડી છે, એમ સિંહે કહ્યું હતું. આવી સ્થિતિમાં દેશના અર્થતંત્ર પર તેની અસર પડે તે સ્વાભાવિક છે. શ્રીમંત દેશ અમેરિકામાં પણ ફુગાવો 40 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે. તેના કરતા ભારતમાં સ્થિતિ સારી છે. તેથી આ માટે દોષી માનવાની અથવા ખોટું લગાડવાની જરૂર નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં આતંકવાદીની એવી ઘણી ઘટના બની છે જેમાં શિક્ષિત યુવકોની સંડોવણી હોય. ન્યૂ યોર્કમા 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બોમ્બિગની ઘટનામાં સંડોવાયેલા અતંકવાદીઓએ પાઈલોટની આકરી તાલિમ લીધી હતી.
પુણેની ડૉ. ડી.વાય. પાટીલ વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું હતું કે દરેક દેશનું ભવિષ્ય એના યુવાનોના હાથમાં હોય છે. આ યુવાનો દેશની તાકાત હોય છે, એ ઉપ્રેરક હોય છે અને પરિવર્તનનો સ્રોત હોય છે.
Published on: Sat, 21 May 2022