જયપુરમાં ભાજપની બેઠકમાં મોદીનું વર્ચ્ચુઅલ સંબોધન

વિપક્ષ જાતિ અને ધર્મના નામે સમાજને વિભાજિત કરવાના પ્રયાસમાં
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધ પક્ષો પર જાતિ અને ધર્મના આધારે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષો તેમના સ્વાર્થ માટે દેશમાં ઝેરનું ઇન્જેક્શન આપી રહ્યા છે. તેમણે આજે જયપુરમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનું ઉદ્ઘાટન કર્યા બાદ ભાજપના પ્રતિનિધિઓને સંબોધતાં કહ્યું હતું.
વડા પ્રધાને કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ સાધવા માટે તાણભરી નાની નાની ઘટનાઓ શોધી ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. મોદીએ પદાધિકારીઓને દેશના વિકાસના મુદ્દાઓને વળગી રહેવા વિનંતી કરી હતી. દેશના વિકાસના મુદ્દાઓથી તમને ભટકાવવાના પ્રયાસો કરવામાં આવશે, પણ તમારે વિકાસના મુદ્દાને વળગી રહેવું પડશે.
તેમણે એમ પણ કહ્યું કે જે પક્ષો પારિવારિક રાજનીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમણે દેશનો કીમતી સમય વેડફ્યો છે. તેમણે કહ્યું કે આ દેશ માટે ગંભીર ખતરો છે. વડા પ્રધાને કહ્યું કે ભાજપે દેશમાં વિકાસની રાજનીતિને મુખ્ય પ્રવાહનો એક ભાગ બનાવી છે. તેમણે કહ્યું કે હવે અન્ય પક્ષોએ પણ વિકાસની ચર્ચા કરવી પડશે.
વડા પ્રધાને કહ્યું કે ભાજપે આગામી પચીસ વરસ સુધી રાષ્ટ્રીય લક્ષ્યો પર કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પક્ષના કાર્યકર્તાઓ માટે દેશનાં લક્ષ્યો હાંસલ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આપણે બધાએ દેશ સામેના તમામ પડકારો સામે લડવાની જરૂર છે. સમગ્ર વિશ્વ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે. આપણો મંત્ર છે સબ કા સાથ, સબ કા વિકાસ ઔર સબ કા પ્રયાસ.
તેમણે કહ્યું કે એકવીસમી સદી દેશ માટે મહત્ત્વપૂર્ણ છે અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાની મીટ માંડીને બેઠું છે. આવી સ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશે આગામી પચીસ વર્ષ માટેના આયોજન પર કામ કરવું પડશે.
વડા પ્રધાને કહ્યું કે ભાજપના કાર્યકરો તરીકે તેમને શાંતિથી બેસવાનો અધિકાર નથી. અઢાર રાજ્યોમાં ભાજપની સરકાર છે, 1300થી વધુ વિધાનસભ્યો અને ચારસોથી વધુ સંસદસભ્યો છે. આ સફળતા જોઇ આત્મસંતોષ માનવાનો નથી. ભાજપનો હેતુ દેશને એટલી ઊંચાઇએ લઈ જવાનો છે જેનું સપનું દાયકાઓ પહેલાં સ્વતંત્રતાસેનાનીએ જોયું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એનડીએ સરકાર આઠ વરસ પૂરાં કરી રહી છે. આ આઠ વરસ નિશ્ચય અને સિદ્ધિઓથી ભરેલાં છે. તેમણે કહ્યું કે સરકારનો કાર્યકાળ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત રહ્યો છે, જે દેશના દરેક વર્ગની અપેક્ષાઓ પૂરી કરી રહ્યો છે.
દેશનો વિકાસ સામાજિક ન્યાય અને દેશની માતા, બહેન અને પુત્રીઓના સશક્તીકરણ અને ગૌરવ પર કેન્દ્રિત છે. દેશના ઇતિહાસમાં પરિવર્તન વિશે વાત કરતા વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે લાંબા અરસાથી લોકો રાજકીય વ્યવસ્થામાંથી આશા અને વિશ્વાસ બંને ગુમાવી રહ્યા હતા, પરંતુ 2014 બાદ બધું બદલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દેશની વિચારસરણી બદલાઈ છે, જે કેન્દ્રને વધુ સજાગ અને જવાબદાર બનાવે છે.
આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવો, રાષ્ટ્રીય સચિવો, ખજાનચીઓ, તમામ મોરચાના અધ્યક્ષો, તમામ રાજ્યોના પ્રમુખો, રાજ્ય સંગઠનના સચિવો અને પૂર્વ મુખ્ય પ્રધાનો સહિત અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ આવતી કાલે તમામ રાજ્યોના રાજ્ય સંગઠન સચિવોની બેઠક યોજાશે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer