વિદર્ભના છ હાથી ગુજરાત રવાના

કર્ણાટકથી લવાશે પ્રશિક્ષિત હાથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : તડોબા-અંધારી વ્યાઘ્ર પ્રકલ્પના બોઝેટરી હાથી કૅમ્પમાંના છ હાથી નાગપુર માર્ગે ગુરુવારે ગુજરાતના જામનગર ખાતે રવાના કરાયા હતા. આ હાથી જામનગર ખાતે `રાધા કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ' સંસ્થામાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બોઝેટરી કૅમ્પમાં આ હાથીઓની ખામી પૂરી કરવા માટે કર્ણાટકમાંથી પ્રશિક્ષિત હાથી લાવવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
તડોબા પ્રકલ્પના ચાર નર અને બે માદા એમ છ હાથીને બોઝેટરી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. આ હાથી એક જ પ્રજાતિના હોવાથી ભવિષ્યમાં સંતતિમાં ગંભીર દોષ ઊભો થવાની શકયતા હતી. તેથી હાથીને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. તેમને ઉક્ત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ માટે પ્રોજેક્ટ એલિફન્ટ વિભાગ, કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય તેમ જ કેન્દ્રીય પર્યાવરણ, વન તથા હવામાન સંબંધિત મંત્રાલય અને મુખ્ય વન્યજીવ રક્ષક (ગુજરાત) પાસેથી એનઓસી આપવામાં આવી હતી.
`મુખ્ય પ્રધાને દખલગીરી કરવી'
મહારાષ્ટ્રના વૈભવ સમાન હાથી ગુજરાતમાં મોકલવામાં આવ્યા તે યોગ્ય નથી. મહારાષ્ટ્રના અભિયારણ્યની ઓળખ ભૂંસી નાખવા સમાન છે. મુખ્ય પ્રધાને આ બાબતની નોંધ લઈ દખલગીરી કરવી, એવી માગણી મહારાષ્ટ્ર પ્રદેશ યુવક કૉંગ્રેસના અધ્યક્ષ કૃણાલ રાઉતે કરી હતી. આ અંગે તેમણે ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer