મની લોન્ડરિંગ કેસમાં સચીન વાઝેની જામીન અરજી ફગાવાઇ

મુંબઈ, તા. 20 : મની લોન્ડરિંગ કેસમાં વિશેષ પીએમએલએ અદાલતે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝેની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ કરી રહ્યું છે. વાઝેની જામીન અરજીનો વિરોધ નોંધાવતા ઇડીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ આ કેસમાં સામેલ છે અને વાઝે કેસમાં સહ આરોપી છે. તેમના જામીન મંજૂર કરાતા તેઓ દેશ છોડીને ભાગી શકે એમ છે. જામીન ઉપર છુટકારા બાદ તેઓ પોતાના રૂપિયાના જોરે અને તપાસ કરવાની પોતાની શીખ, આવડતને પગલે પુરાવા સાથે ચેડા કરી શકવા સક્ષમ છે.
દેશમુખના આદેશ બાદ વાઝે મોડી રાત સુધી આ બાર અને રેસ્ટોરાંને ચાલુ રાખવાની પરવાનગી આપવા અનેક રેસ્ટોરાં અને બાર માલિકો પાસેથી પ્રત્યેક મહિને રૂ.ત્રણ લાખની ખંડણી વસુલતો હતો.
ડિસેમ્બર, 2020થી ફેબ્રુઆરી, 2021 દરમિયાન વાઝેએ અનેક ઓર્કેસ્ટ્રા બાર ઍન્ડ રેસ્ટોરાંના માલિકો પાસેથી કુલ રૂ.4.7 કરોડ ભેગા કર્યાં હતાં. આ ઉપરાંત ઇડીએ જણાવ્યું હતું કે વાઝે એન્ટિલિયા નજીક બૉમ્બ મૂકવાના કેસમાં અને થાણેના વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસમાં સહ આરોપી છે. સચીન વાઝેએ પોલીસ દળમાંની પોતાની ફરજ દરમિયાન અનેક ગેરરીતિઓ આચરી છે. તેને દેશમુખ પાસેથી સીધા આદેશો મળતા હતા એમ ઇડીએ વધુમાં જણાવ્યું હતું.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer