2023માં આઉટ સ્ટેશનની નવી 25 ટ્રેનો શરૂ થશે

મુંબઈ, તા. 20 : મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)થી મુસાફરી કરતા રેલવે પ્રવાસીઓને 2023માં ઉત્તર ભારત જવા માટે વધુ 25 નવી આઉટ સ્ટેશન ટ્રેનો શરૂ થઈ જતાં દેશના અન્ય વિસ્તારો સુધી પહોંચવા માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે.
નવી મુંબઈના કલંબોલી ખાતે બે નવા આઉટ સ્ટેશન ટ્રેન ટર્મિનલો બાંધવામાં આવી રહ્યા છે અને તે આવતા વર્ષે તૈયાર થઈ જશે. આઉટ સ્ટેશન ટ્રેનો માટે બે નવા પ્લેટફૉર્મ જોગેશ્વરી સ્ટેશન ખાતે બાંધવામાં આવશે. 
હાલ શહેરમાં વિવિધ ટર્મિનલો ખાતેથી બહારગામની (આઉટ સ્ટેશન) 462 ટ્રેનો દોડાવવામાં આવે છે. હવે આ ટ્રેનોની સંખ્યા 487 52 પહોંચી જશે અને આઉટ સ્ટેશન ટ્રેનો માટેના ટર્મિનલોની સંખ્યા પણ 9 થઈ હશે.
હાલ નવી મુંબઈમાં રહેતા પ્રવાસીઓ બહારગામ જવું હોય તો કાં તો સીએસએમટી, થાણે કે કલ્યાણ જવું પડે છે. કલંબોલી ટર્મિનલથી નવી દિલ્હી, ગોરખપુર જેવા ઉત્તર પ્રદેશ કે બિહારના સ્ટેશનો સુધી જઈ શકાશે. જ્યારે જોગેશ્વરી ખાતેથી ગુજરાત કે રાજસ્થાન જતી ટ્રેનો પકડી શકાશે.
22મીએ કચ્છની ટ્રેનોના ઉતારુઓ માટે તિથલમાં સુવિધા
કચ્છથી મુંબઈ આવનાર કચ્છ એક્સપ્રેસ ટ્રેનને તા. 22/5ના વલસાડ સુધી અને સયાજીનગરી એક્સપ્રેસને બીલીમોરા સુધી ચલાવવામાં આવનાર છે. તેથી અટવાયેલા પ્રવાસીઓની સુવિધા માટે ધી મુંબઈ ગ્રેનડીલર્સ ઍસોસિયેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તિથલ સેનેટોરિયમ (એન્કરવાલા આરોગ્યધામ) ખાતે બીજા માળે, પ્રિન્સ બૅન્કવેટ હૉલમાં નિ:શુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેનેટોરિયમમાં રેલવે ટિકિટ બતાવવાની રહેશે, એમ ચૅરમૅન રમણીકલાલ જાદવજી છેડાએ એક યાદીમાં જણાવ્યું છે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer