તારાપોરવાલા મત્સ્યાલયના અૉડિટમાં માળખાકીય ખામીઓ

તારાપોરવાલા મત્સ્યાલયના અૉડિટમાં માળખાકીય ખામીઓ
કોસ્ટલ રોડ પ્રોજેક્ટને કારણે એકવેરિયમની ઇમારતને વધુ નુકસાન
મુંબઈ, તા. 20 : રાજ્ય સરકારે તારાપોરવાલા મત્સ્યાલયના હાથ ધરેલા ઓડિટમાં એવું જાણવા મળ્યું છે કે, આ ઇમારતમાં સ્ટ્રક્ચરલ (માળખાકીય) ખામીઓ ઊભી થઈ છે. રાજ્ય સરકાર હવે એ નક્કી કરશે કે, આ સંકુલની ત્રણ ઇમારતો કે જેમાં કમિશનર અૉફ ફીશરીઝનું કાર્યાલય પણ આવેલું છે તેમનું મોટા પાયે સમારકામ કરવું કે પછી તેમને તોડીને તેમના સુપરત મૂળભૂત સ્થળે ફરીથી બાંધવી જોઈએ.
1951માં આ એકવેરિયમનું ઉદ્ઘાટન થયું હતું અને પારસી સખાવતી ડીબી તારાપોરવાલાના નામ પરથી તેનું નામ તારપોરવાલા એકવેરિયમ રાખવામાં આવ્યું હતું. મુંબઈમાં આ એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ છે, જેની અનેક લોકો મુલાકાત લેતા હોય છે, પરંતુ કોવિડ મહામારીને કારણે તે હાલ બંધ પડયું છે.
હમણાં પાલિકા દ્વારા કોસ્ટલ રોડનું બાંધકામ ચાલુ છે તેને કારણે આ ઇમારતમાં પહોંચવાનું મુશ્કેલ બની રહ્યું છે અને બાંધકામને કારણે જે ધ્રુજારી આવી રહી છે તેનાથી તેની માળખાકીય સ્થિરતાને પણ અસર થઈ રહી છે.
`ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ માળખાને તોડીને ફરીથી બાંધવામાં આવે તો તે સારું રહેશે. ઓડિટ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. હવે આ બિલ્ડિંગનું સમારકામ કરવું કે તેને તોડીને ફરીથી બાંધવી તેનો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે, એમ કમિશનર અૉફ ફીશરીઝ અતુલ પાટણેએ જણાવ્યું હતું.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer