ગુજરાતમાં કૉંગ્રેસનો ચહેરો નરેશ પટેલ?

ગુજરાતમાં કૉંગ્રેસનો ચહેરો નરેશ પટેલ?
પ્રદેશ પ્રમુખ-પ્રભારીને દિલ્હીનું તેડું
અમદાવાદ, તા. 20 : હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હાલમાં ગુજરાત કોંગ્રેસમાં ભારે હલચલ જોવા મળી રહી છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માને દિલ્હીનું તેડું આવતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બાદ બંન્ને નેતા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્મા કોંગ્રેસના સિનિયર નેતા કે સી વેણુગોપાલ સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગાંધી પરિવારના સભ્યો ગુજરાત પ્રવાસ પર છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી એક વખત દિલ્હીની મુલાકાતે છે ત્યારે તેમના કોંગ્રેસ પ્રવેશનો તખતો અંતિમ તબક્કામાં હોઇ આ અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે, તો બીજી તરફ જો આજે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની હા પાડે તો તેઓને પાર્ટીમાં આવકારવાની તૈયારીઓ શરૂ થશે. 
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી હોવાનું સમજાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં નરેશ પટેલ કોંગ્રેસનો હાથ થામશે. તેમણે મોટી પ્રતિબદ્ધતા સાથે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. 
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડયા પછી કોંગ્રેસ પાટીદાર વિરોધી હોવાના આક્ષેપો કર્યા છે. હાર્દિક ભાજપમાં જોડાઈને આવા આક્ષેપોને વધુ ધાર કાઢે એ પહેલાં જ કોંગ્રેસ તેની હવા કાઢી નાખવા માગે છે. આથી નરેશ પટેલ સાથે જે કેટલીક શરતો પર ચર્ચા અટકી ગઈ હતી, એ શરતો કોંગ્રેસે સ્વીકારી લીધાનું જાણવા મળે છે. એ મુજબ સંભવત: નરેશ પટેલને મુખ્યપ્રધાનપદનો ચહેરો જાહેર કરવામાં આવે અથવા તો 30 જેટલી બેઠકો પર નરેશ પટેલ કહે તે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવી શરત કોંગ્રેસે સ્વીકારી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં જ્યાં નરેશ પટેલ પણ ભાજપના મોટા નેતાઓ સાથે ધાર્મિક મંચ પર જોવા મળ્યા હતા. તેમના ભાજપમાં જોડાવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. સાથે જ આમ આદમી પાર્ટી પણ તેમને પોતાની સાથે લાવવાની કોશિશ કરી છે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer