મોડિફાઈ કરાયેલી ઈ-બાઈકો પર તવાઈનો આદેશ

મોડિફાઈ કરાયેલી ઈ-બાઈકો પર તવાઈનો આદેશ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : ઇલેક્ટ્રિક બાઈકમાં લાગતી આગ અને એની સાથે થતી અન્ય દુર્ઘટનાને ટાળવા ટ્રાન્સપોર્ટ વિભાગે ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરીની ક્ષમતાથી વધુ કરવામાં આવેલા ગેરકાયદે ફેરફાર પર સપાટો બોલાવવાનું નક્કી કર્યું. આવી બાઈકની સ્પિડ લિમિટમાં પણ છેડછાડ કરાઈ હશે તો એ ગેરકાયદે ગણાશે. 
ઇલેક્ટ્રિક બાઈકની બેટરીનું આઉટપુટ 250 વૉટ હોય છે અને એની મહત્તમ સ્પિડ પ્રતિ કલાકની 25 કિલોમિટરની હોય છે. આવી બાઈકોને રજિસ્ટ્રેશનમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. 
અધિકૃત સંસ્થાની મંજૂરી વગર સુધારો-વધારો કરવામાં આવેલી આવી ઈ-બાઈકો સામે કાર્યવાહી કરવાની ટ્રાન્સપોર્ટ કમિશનર તમામ રિજનલ ટ્રાન્સપોર્ટ અૉફિસરો (આરટીઓ)ને સૂચના આપી છે. આ ઝુંબેશમાં ઉત્પાદકો, ડિલરો અને ગ્રાહકોની બાઈકો પણ તપાસવામાં આવશે. જે ઈ-બાઈકોમાં ગેરકાયદે ફેરફારો કરાયા હશે એની સામે પોલીસ ફરિયાદ પણ કરાશે. 
ટ્રાન્સપોર્ટ કમિશનરે ઈ-બાઈક ખરીદતા પહેલા એનું સર્ટિફિકેટ તપાસવાની લોકોને સલાહ આપી છે. ગ્રાહકને આ-બાઈકનો એપ્રુવલ ટેસ્ટ રિપોર્ટનો પ્રકાર અને મંજૂરીના દસ્તાવેજો તપાસવાનું પણ જણાવાયું છે. 
મહારાષ્ટ્રમાં કુલ 66,482 ઈ-બાઈક રજિસ્ટર્ડ થઈ છે. રાજ્યમાં 2025 સુધીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરોના રજિસ્ટ્રેશનમાં 10 ટકા, થ્રી વ્હીલરમાં 20 ટકા અને ફૉર વ્હીલરમાં પાંચ ટકાનો ઉછાળો આવવાની શક્યતા છે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer