એટીએમમાંથી કાર્ડ વગર પૈસા ઉપાડી શકાશે

એટીએમમાંથી કાર્ડ વગર પૈસા ઉપાડી શકાશે
મોબાઈલથી ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : બૅન્કના ખાતેદારો હવે પછી  કાર્ડના ઉપયોગ વગર એટીએમમાંથી પૈસા કાઢી શકશે. એ માટે મોબાઈલથી ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે. રિઝર્વ બૅન્કે તમામ બૅન્કો અને એટીએમ ઓપરેટરોને એટીએમમાંથી કાર્ડલેસ વિથ્રોડઅલની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. 
એક પરિપત્રમાં રિઝર્વ બૅન્કે કહ્યું છે કે નૅશનલ પૅમેન્ટ કોર્પોરેશન અૉફ ઇન્ડિયા તમામ બૅન્કો અને તમામ એટીએમ નેટવર્ક સાથે યુપીઆઈ પ્લેટફૉર્મના સંકલનની વ્યવસ્થા કરશે. એટીએમ નૅશનલ ફાઈનાન્સિયલ સ્વિચ સિસ્ટમથી કામ કરે છે અને એ આ સિસ્ટમથી જ કામ કરવાનું ચાલુ રાખશે. 
એટીએમ વિશેના બાકીના તમામ નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેમ કે અન્ય બૅન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવાની સીમા વગેરે અત્યારે જે છે એ ચાલુ રહેશે. ઘણી બૅન્કોએ એની મોબાઈલ ઍપની મદદથી એટીએમમાંથી કાર્ડલેસ વિથડ્રોઅલની સગવડ શરૂ કરી છે. જોકે રિઝર્વ બૅન્કની નવી વ્યવસ્થામાં કોઈપણ એટીએમમાંથી કાર્ડ વગર પૈસા કાઢી શકાશે. 
રિઝર્વ બૅન્કનું માનવું છે કે આ નવી વ્યવસ્થાને કારણે એટીએમ કાર્ડનો યુગ કંઈ પૂરો નહીં થાય. એને વધારાનું એક વિકલ્પ માનવામાં આવે છે. એ સિવાય કાર્ડને લઈ ગ્રાહકો સાથે જે છેતરાપિંડી થતી હતી એ પણ બંધ થઈ જશે.
બીજું, ગ્રાહકને બૅન્ક પાસેથી કાર્ડ મળ્યું નહીં હોય તોય એને અગવડતા નહીં પડે. અત્યારે ચીપની ખેંચ હોવાથી કાર્ડ ઈસ્યુ કરવામાં બૅન્કોને તકલીફ પડી રહી છે. 
એક એટીએમ કંપનીના ટોચના અધિકારીએ કહ્યું હતું કે આ રિઝર્વ બૅન્કની નવી સૂચનાને કારણે અમારે એટીએમના હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરવો નહીં પડે, માત્ર સોફ્ટવેર અપડેટ કરવું પડશે. માત્ર બૅન્કોના એટીએમ ખર્ચમાં નજીવો વધારો થશે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer