રાજકીય દુશ્મન રાણા દંપતી અને સંજય રાઉતે લદાખમાં સાથે ભોજન ર્ક્યું

રાજકીય દુશ્મન રાણા દંપતી અને સંજય રાઉતે લદાખમાં સાથે ભોજન ર્ક્યું
અમારા પ્રતિનિધિ તરફથી 
નવી દિલ્હી, તા. 20 : અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા, તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા તથા શિવસેનાના સાંસદ સંજય રાઉતનો લેહ-લદાખમાનો એકસાથે ફોટો વાઈરલ થતા ત્રણે નેતાઓને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરાયા છે. 
દસેક દિવસ પહેલા એકબીજા પર આકરાં પ્રહારો કરનાર, એકમેક વિશે ઉતરતી કક્ષાની ભાષા વાપરનાર સાથે બેસીને જમતા હતા એ ઘણાં લોકોને પચ્યું નથી. આ `મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ' છે એવું કહી નવનીત રાણાએ આ સહ-ભોજન વિશે ખુલાસો કર્યો હતો. ત્રણે વચ્ચે શું ચર્ચા અને વાતચીત થઈ હતી એ વિશે નવનીત રાણાએ કંઈ ભલતા જ જવાબ આપ્યા હતા. નવનીત રાણાએ કહ્યું હતું કે અમે રાઉતને એવો સવાલ કર્યો હતો કે અમને જેલમાં નાખવા પડે એવો તે અમે શું ગુનો કરેલો? આ પ્રશ્નનો રાઉત અમને જવાબ આપી શક્યા નહોતા. એ ચૂપ રહ્યા હતા. આ બધું ઉપરથી થયું હતું એવું તેમણે કીધું. એ અમારા સવાલને સરખો જવાબ આપી શક્યા નહોતા. 
તેમણે કહ્યું હતું કે હું મારી જવાબદારી પાર પાડવા લેહ-લદાખની મુલાકાતે ગઈ હતી. સંજય રાઉત પણ સાથે છે એટલે એ માટે મુલાકાત રદ કરવાનો બાલિશ નિર્ણય હું લઈ શકું નહીં. હું એક સમજદાર જનપ્રતિનિધિ છું. મુલાકાતમાં સાથે હોય એ વ્યક્તિ સાથે ચર્ચા, સંવાદ, મતમતાંતર થાય એ સ્વાભાવિક છે. જોકે એ વખતે અમારી સામે થયેલા અન્યાયનો સંતાપ એટલો જ હતો. અમે સાથે જમ્યા, ગપ્પા માર્યા તોય તેમને એક પ્રશ્ન તો પૂછેલો. અમને જેલમાં નાખવા જેવો અમે શું ગુનો કરેલો? અમારા સવાલનો જવાબ તેઓ આપી શક્યા નહોતા. બધુ ઉપરના લેવલથી થયેલું એવું અમને કહ્યું હતું. 
નવનીત રાણાએ કહ્યું હતું કે અમારી સાથે અન્યાય થયો હતો, રાઉત સાથે નહીં. એટલે રાઉતની વર્તણુંક સામાન્ય હતી. અમારા માટે આવી વર્તણુંક કઠીન હતી. જે કારણ માટે અમે જેલમાં ગયા એ ભૂલીને આગળ વધવું સહેલું નહોતું. શિવસેના સામે અમારી લડાઈ વિચારોની છે. અમે એ જ ઢબથી એનો પ્રતિકાર કરીશું. વિકાસના કામમાં બાધા નાખનાર નેતાઓ સામે અમારી લડાઈ હશે. એટલે આવનાર દિવસોમા શિવસેના સાથેનો અમારો સંઘર્ષ કાયમ રહેશે. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer