મોંઘવારી માટે કંપનીઓની સાઠગાંઠ જવાબદાર : નાણાપ્રધાન

મોંઘવારી માટે કંપનીઓની સાઠગાંઠ જવાબદાર : નાણાપ્રધાન
નવી દિલ્હી, તા. 20: આમજનતાને મોંઘવારી રીબાવી રહી છે ત્યારે સરકાર  દલીલો કરી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોંઘવારી માટે બજારમાં સંભવિત કાર્ટેલ એટલે કે જૂથબંધીને જવાબદાર ગણાવી દીધી છે.
તેમણે કહ્યું હતું કે, કોમોડિટીનાં પુરવઠામાં તંગીનાં કારણોની તપાસ કરવાની આવશ્યકતા છે. કાર્ટેલમાં કંપનીઓની આપસી સાંઠગાંઠમાં ઉત્પાદન, વિતરણ, વેચાણ કે કિંમતને નિયંત્રિત કરવાનાં પ્રયાસ થતા હોય છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ)ના 13મા વાર્ષિક કાર્યક્રમમાં સીતારમણે કહ્યું હતું કે, નિયામકને વિલીનીકરણ અને હસ્તાંતરણની પણ ઉંડી સમજ હોવી જોઈએ. 
તેમણે આગળ કહ્યું હતું કે, બજારમાં સાંઠગાંઠનાં પડકારને પહોંચી વળવું પડશે. જણસોની કિંમત વધવા માટે વિવિધ કારણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આપૂર્તિમાં ઘટાડો થવાનાં કારણોને પણ જોવાની આવશ્યકતા છે. 
તેમણે આ ટિપ્પણી એવા ટાણે કરી છે જ્યારે દેશમાં મોંઘવારી સાતમા આકાશે છે. સીતારમણ પાસે કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનો પ્રભાર પણ છે. તેમણે કહ્યું હતું કે, સીસીઆઈની સાથે કંપનીઓએ પણ સંવેદનશીલ બનવાની જરૂર છે.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer