ઢાકા, તા. 20 : ભારતમાંથી ઘઉં લઈને બંગલાદેશ જઈ રહેલું માલવાહક જહાજ ડૂબી ગયું છે. માલવાહક જહાજ બંગાળની ખાડી નજીક મેઘના નદીમાં હતું ત્યારે તટબંધ સાથે ટકરાવાના કારણે જહાજ પાણીમાં ડુબ્યું હતું. આ જહાજમાં 1600 ટન ઘઉં ભરેલા હતા અને નારાયણગંજ નદી બંદરગાહ તરફ જઈ રહ્યું હતું.
ડુબનારુ જહાજ મંગળવારના રોજ ચટોગ્રામ પોર્ટના બહારના લંગર પાસે મોટા જહાજમાંથી ઘઉં ભરીને ઢાકાના નારાયણગંજ પોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ ઘઉંને એક ખાનગી મીલમાં પહોંચાડવાના હતા.
બંગલાદેશના જળ પરિવહન સચિવ અતાઉલ કબીરે કહ્યું હતું કે, 1600 ટન ઘઉં પાણીમાં ડુબી ગયા છે અને હવે તે મળવાની કોઈ આશા નથી. આ પહેલા વિભાગે કહ્યું હતું કે, જહાજ પુરી રીતે ડુબ્યું નથી અને નજીકના તટે પહોંચી ગયું છે.
પાસમાં સામે આવ્યું છે કે એક બંધની ચપેટમાં આવતા જહાજના સામેના ભાગમાં એક તિરાડ પડી હતી અને તેમાંથી મોટાપાયે પાણી જહાજમાં ઘુસી આવ્યું હતું. આ ઘઉંની કિંમત લગભગ 7.58 લાખ ડોલર જેટલી હતી.
બંગલાદેશના ખાદ્ય મંત્રીના કહેવા પ્રમાણે એક ખાનગી બંગલાદેશી કંપની ભારતથી ઘઉં આયાત કરી રહી હતી. આ મામલે સંબંધિત અધિકારીઓને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
Published on: Sat, 21 May 2022
ભારતથી બાંગ્લાદેશ 1600 ટન ઘઉં લઈ જતું જહાજ ડૂબ્યું
