પેંગોંગ લેકમાં નવા પુલના મુદ્દે ચીનને ગર્ભિત ચેતવણી

પેંગોંગ લેકમાં નવા પુલના મુદ્દે ચીનને ગર્ભિત ચેતવણી
બ્રિકસ સમિટમાં જયશંકરે સાધ્યું નિશાન
નવી દિલ્હી, તા. 20 : બ્રિક્સ સમૂહની ડિજીટલ બેઠકનું મેજબાન ચીન બન્યું હતું અને આ બેઠકમાં ભારતીય વિદેશ પ્રધાન ચીનને એલએસી ઉપરની હરકતો અંગે આડે હાથ લીધું હતું. બેઠકના થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે ચીન પેંગોંગ લેક પાસે બીજો પુલ બનાવી રહ્યું છે. જેને લઈને ચીન ઉપર નિશાન તાકવામાં આવ્યું હતું. જયશંકરે સ્પષ્ટ રીતે યુક્રેનમાં સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો અને ઈશારામાં ચીનને પણ નિશાને લીધું હતું. જયશંકરે કહ્યું હતું કે, બ્રિક્સે વારંવાર સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા, આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કર્યું છે. આ પ્રતિબદ્ધતાઓ ઉપર યોગ્ય બનવું જોઈએ. 
વિદેશ પ્રધાનની આ ટિપ્પણી વર્તમાન સમયમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જ્યારે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સીમાનો વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જયશંકરે કહ્યું હતું કે, બ્રિક્સે આતંકવાદને લઈને ઝિરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ. ખાસ વાત તો એ છે કે આ બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ પણ સામેલ રહ્યા હતા. તેઓએ બ્રિકસ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. ઝિનપિંગે કહ્યું હતું કે, ઈતિહાસ અને વાસ્તવિકતા બન્ને બતાવે છે કે બીજાની કિંમતે પોતાની સુરક્ષા શોધવી એ માત્ર તનાવ અને જોખમ પેદા કરે છે.
 આગામી મહિને થનારા બ્રિકસ શિખર સંમેલનના ભાગરૂપે વિદેશ પ્રધાનોની બેઠક વીડિયો લિંકના માધ્યમથી કરવામાં આવી હતી.આ બેઠકમાં એસ જયશંકરે કહ્યું હતું કે, યુક્રેન સંઘર્ષના પ્રભાવથી ઉર્જા, ખાદ્ય અને અન્ય ઉત્પાદોની કિંમતમાં તિવ્ર વૃદ્ધિ થઈ છે. બ્રિકસ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સમૂહ છે. જે 41 ટકા વૈશ્વિક આબાદી, 24 ટકા વૈશ્વિક જીડીપી અને 16 ટકા વૈશ્વિક કારોબારનું પ્રતિનિધિત્વ કરે છે. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer