જ્ઞાનવાપી કેસ સિવિલ કોર્ટમાંથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર

જ્ઞાનવાપી કેસ સિવિલ કોર્ટમાંથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર
સંવેદનશીલતા ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટનો આદેશ
વજૂખાનું સીલ અને નમાજની છૂટનો આદેશ યથાવત્
નવી દિલ્હી,તા. 20 : જ્ઞાનવાપીનાં વિવાદમાં હિન્દુ પક્ષકારો દ્વારા પૂજાની માગણીનો મામલો સુપ્રીમ કોર્ટે આજે સિવિલ જજની કોર્ટમાંથી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરી નાખ્યો છે. અદાલતે આ મામલાની ગંભીરતા, જટિલતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને કેસ જિલ્લા અદાલતમાં તબદિલ કરવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પીઠ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પૂજાનાં સ્થળનાં કાયદા અંતર્ગત પૂજાનાં અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષકારોની અરજી ઉભી રહેવા પાત્ર ન હોવાની મસ્જિદ સંચાલન સમિતિની અરજી ઉપર ડિસ્ટ્રીક્ટ જજને અગ્રતાનાં ધોરણે નિર્ણય કરવાં કહેવામાં આવ્યું છે. 
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, આ મામલાની જટિલતા અને સંવેદનશીલતાને ધ્યાને લેતા સર્વોચ્ચ અદાલતનું માનવું એવું છે કે, વારાણસી સિવિલ જજ સમક્ષનો દાવો એક વરિષ્ઠ અને અનુભવી ન્યાયિક અધિકારી સમક્ષ ચલાવવો જોઈએ. જેને પગલે આ કેસ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) પાસેથી જિલ્લા અદાલતમાં તબદિલ કરવામાં આવે છે.  આ સાથે જ અદાલતે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટ તરફથી શિવલિંગને રક્ષિત કરીને મુસ્લિમોને નમાઝ પઢવા દેવા માટે આપવામાં આવેલો વચગાળાનો આદેશ પણ લાગુ રહેશે. આ દાવાનો નિકાલ આવે પછી પણ તે આદેશ 8 સપ્તાહ સુધી લાગુ રહેશે. જેથી સંબંધિત પક્ષકારો જરૂર લાગે તો ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં આદેશ સામે અપીલ કરી શકે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નમાઝ પહેલા વજૂ કરવાં માટે આવશ્યક વ્યવસ્થા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આનાં માટે કલેક્ટરને સંબંધિત પક્ષકારો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કોર્ટ કમિશન દ્વારા જ્ઞાનવાપીમાં કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ લીક થઈ જવાની પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, જમીનીસ્તરે શાંતિ જળવાઈ રહેવી જરૂરી છે અને કમિશનરનાં રિપોર્ટનાં અમુક ચુનંદા અંશો લીક કરીને ગભરાટ ફેલાય તેવું થવું ન જોઈએ. માત્ર ટ્રાયલ કોર્ટનાં ન્યાયધીશ જ રિપોર્ટ ખોલી શકે છે અને તે મીડિયા સુધી પહોંચવો ન જોઈએ.
જુમ્માની નમાજ માટે મુસ્લિમો ઊમટી પડયા
વારાણસીની જ્ઞાનવાપીમાં આજે જુમ્માની નમાજ અંગે અંજુમન ઇંતજામિયા મસ્જિદ કમિટીએ પત્ર જારી કરી નમાજીઓને અપીલ કરી હતી. કમિટીએ કહ્યું કે જુમ્માની નમાજ માટે ભારે સંખ્યામાં જ્ઞાનવાપી મસ્જિદમાં ન આવે. જોકે આ અપીલની અસર જોવા મળી નહોતી. મોટી સંખ્યામાં લોકો નમાજ પઢવા જ્ઞાનવાપી પહોંચ્યા હતા.
સામાન્ય દિવસો કરતા આજે લગભગ હજારેક લોકો નમાજ અદા કરવા પહોંચ્યા હતા. પરિસરમાં જગ્યા ન હોવાથી વિશ્વનાથ ધામના ચાર નંબરના ગેટ બહાર ભેગા થયેલા નમાજીઓને પાછા મોકલવામાં આવ્યા અને ગેટ બંધ કરી દેવાયો. આને કારણે થોડો સમય તાણભર્યું વાતાવરણ સર્જાયું હતું. પોલીસ પ્રશાસન પણ એલર્ટ હતું અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ફોર્સ વધારી દેવામાં આવી હતી.
મસ્જિદ કમિટી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વુજૂખાના સીલ હોવાને કારણે વધુ લોકો આવે એ યોગ્ય નથી. એટલે આપ સર્વે તમારા મહોલ્લામાં જ જુમ્માની નમાજ અદા કરે.
સર્વે બાદ જ્ઞાનવાપીના વજૂ સ્થળ અને શૌચાલયને કોર્ટના આદેશને પગલે સીલ કરી એના પર નવ તાળા મારવામાં આવ્યા છે. વજૂ સ્થળ અને શૌચાલયને સીલ કરાયા હોવાથી મસ્જિદ કમિટીએ નમાજીઓને નમાજ પઢવા આવનારાઓને ઘરેથી જ વજૂ કરી આવવાની અપીલ કરી હતી. જોકે સીલ કરાયા બાદ આજે પહેલો જુમ્મા હોવાથી સામાન્ય દિવસો કરતા વધુ ભીડ જોવા મળી હતી.
વજૂખાનું સીલ જ રહેશે
વારાણસીમાં જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ કેસ જિલ્લા કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અંગેનો આદેશ સુપ્રીમ કોર્ટે જારી કર્યો છે.આ અંગેનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વુજુખાનાનો વિસ્તાર સીલ કરવામાં આવે, એ સાથે ઉમેર્યું હતું કે વુજૂની વ્યવસ્થા કરવામાં આવશે.
મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે કોઈપણ સ્થળના ધાર્મિક મૂળને શોધવા પર પ્રતિબંધ નથી. હકીકતમાં, મુસ્લિમ પક્ષના વકીલ અહમદીએ ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલવા પર સ્પષ્ટપણે મનાઈ ફરમાવવામાં આવી છે. તો કમિશનનું ગઠન કેમ કરવામાં આવ્યું? એ જાણવા માટે કે ત્યાં શું હતું? આના પ્રત્યુત્તરમાં જસ્ટીસ ચંદ્રચુડે આ ટિપ્પણી કરી હતી. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer