જ્ઞાનવાપી : આજથી જિલ્લા અદાલતમાં સુનાવણી

જ્ઞાનવાપી : આજથી જિલ્લા અદાલતમાં સુનાવણી
વજૂખાનાના ભૂગર્ભમાં બીજું શિવલિંગ હોવાના દાવા સાથે કોર્ટમાં અરજીની તૈયારી
વારાણસી, તા. 22 : સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે જ્ઞાનવાપી અંગેના તમામ પુરાવા ડિસ્ટ્રિકેટ કોર્ટને સુપરત કરવામાં આવ્યા છે અને હવે જ્ઞાનવાપીના વજુખાનામાં મળી આવેલા હિન્દુ ધર્મના ચિન્હો બાદ, બંને પક્ષોની સુનાવણી જિલ્લા કોર્ટમાં હાથ ધરાશે.
દરમિયાન, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ જ્ઞાનવાપીના વજુખાનાના ભૂગર્ભમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. એ સાથે તેમણે જણાવ્યું કે, પૂજાના અધિકાર માટે 23 મેના તેઓ કોર્ટમાં અરજી કરશે.
ઉત્તર પ્રદેશના વારાણસી કોર્ટના આદેશને પગલે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે કરવામાં આવ્યો. સર્વેનો અહેવાલ સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં દાખલ પણ કરવામાં આવ્યો. જોકે સુપ્રીમ કોર્ટે જિલ્લા કોર્ટમાં સુનાવણી કરવાનો આદેશ અપાતા સિવિલ કોર્ટે અહેવાલની સાથે તમામ પુરાવા જિલ્લા કોર્ટને સુપરત કર્યાં છે. હવે જ્ઞાનવાપી અંગેની સુનાવણી સોમવારથી જિલ્લા કોર્ટમાં હાથ ધરાશે. સુનવાણી શરૂ થઈ રહી હોવાથી કોર્ટ પરિસરની સુરક્ષામાં ભારે વધારો કરવામાં આવ્યો છે.
કોર્ટમાં સુનાવણી શરૂ થઈ રહી છે ત્યારે કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ દાવો કર્યો હતો. કે વજૂખાનાના ભૂગર્ભમાં શિવલિંગ છે. એ સાથે તેમણે ઉમેર્યું કે, તેઓ સોમવારે કોર્ટમાં કાશી વિશ્વનાથ ધામ પરિસરમાં નંદીના મુખની સામે જે દરવાજો છે એ ખોલાવી બાબા વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરવાની પરવાનગી માગતી અરજી કરશે. હકીકતમાં કાશી વિશ્વનાથ મંદિરના મહંત કુલપતિ તિવારીનું કહેવુ ંછે કે ભૂગર્ભમાં મોજુદ બાબા પર કોઇએ દાવો નથી કર્યો. મારી પાસે ભૂગર્ભમાં શિવલિંગનો પુરાવો પણ છે જે કોર્ટમાં રજૂ કરીશ. તેમણે કહ્યું કે શિવલિંગ હોવાના પુરાવા મળ્યા છે તો બાબાનું પૂજન કરવું આવશ્યક છે. એ સાથે તેમણે ઉમેર્યું કે માહોલ ખરાબ કરવાનો મારો કોઈ ઇરાદો નથી. મારી માગણી માત્ર બાબા વિશ્વનાથના પૂજન કરવા અંગેની જ છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust