મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા અને કેરળ સરકારે ઈંધણ પરનો વૅટ ઘટાડયો

મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા અને કેરળ સરકારે ઈંધણ પરનો વૅટ ઘટાડયો
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે  સામાન્ય લોકોને મોટી રાહત આપતાં પેટ્રોલની એક્સાઇઝ ડયૂટીમાં આઠ રૂપિયા અને ડિઝલમાં છ રૂપિયા પ્રતિ લીટરનો કાપ મૂક્યો છે. આ કાપ બાદ પેટ્રોલ 9.5 રૂા. અને ડિઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઇ શકે છે. કેન્દ્રના આ નિર્ણય બાદ રાજ્યોએ પણ પેટ્રોલ-ડીઝલ પર તેમના ટેક્સ ઘટાડવાનું શરૂ કર્યું છે.
આ લખાય છે ત્યાં સુધીમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને કેરળની સરકારોએ તેમના વેટમાં કાપ મૂક્યો છે.
આ ત્રણ રાજ્યોમાંથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે ઓરિસ્સામાં બીજુ જનતાદળની સરકાર છે, નવીન પટનાયક મુખ્યમંત્રી છે. જ્યારે કેરળમાં સીપીએમ સરકાર છે. પિનરાઇ વિજયન મુખ્યમંત્રી છે. હજુ સુધી ભાજપના શાસનવાળા રાજ્યોમાંથી કોઇએ તેમના તરફથી વેટ ઘટાડાની જાહેરાત નથી કરી. હવે ભાજપ શાસિત રાજ્યો પર વેટ ઘટાડવા દબાણ ઊભું થયું છે. 
પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્રની સરકારે એક્સાઇઝ ડયૂટી ઘટાડયા બાદ સૌથી પહેલાં કેરળ સરકારે  કર ઘટાડવાની જાહેરાત કરીને પેટ્રોલમાં લીટરે 2.41 રૂા. અને ડિઝલમાં 1.36 રૂા. પ્રતિ લીટરનો કાપ મૂક્યો છે. કેરળના નાણામંત્રીએ આ કાપની જાહેરાત કરી છે.
રાજસ્થાન સરકારે પેટ્રોલ પર 2.48 રૂા. અને ડિઝલ પર 1.16 રૂા. પ્રતિ લીટરનો વેટ ઘટાડયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટાડાથી પેટ્રોલની કિંમતમાં 10.48 રૂપિયા અને ડીઝલમાં રૂા. 7.16 રૂા. પ્રતિ લીટરની રાહત થશે.
આ સિવાય ઓરિસ્સા સરકારે પણ પેટ્રોલ, ડિઝલ પર ટેક્સમાં ક્રમશ: 2.23 રૂા. અને 1.36 રૂા. પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. આ કાપ કર્યા બાદ ઓરિસ્સામાં પેટ્રોલની નવી કિંમત 102.25 રૂા. અને ડિઝલની કિંમત 94.86 રૂા. પ્રતિ 
લીટર રહેશે.
સાંજે મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ પરનો વેટ ઓછો કરી નાખ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલના ભાવમાં રૂા. 2.08 અને ડિઝલના ભાવમાં 1.44નો કાપ મૂક્યો છે. આ કાપ પછી હવે રાજ્યમાં એક લીટર પેટ્રોલની કિંમત 109.27 રૂા. પ્રતિ લીટર રહેશે. જ્યારે ડિઝલની કિંમત 95.84 રૂા. થઇ ગઇ છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust