પાંચમી મૅચ વરસાદમાં ધોવાઈ : ભારત-દ. આફ્રિકાની ટી-20 શ્રેણી ડ્રો

પાંચમી મૅચ વરસાદમાં ધોવાઈ : ભારત-દ. આફ્રિકાની ટી-20 શ્રેણી ડ્રો
ભારતના 3.3 ઓવરમાં બે વિકેટે 28 રન થયા ત્યારે વરસાદ તૂટી પડતા મૅચ રદ
બેંગ્લુરુ, તા.19 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની રોમાંચક ટી-20 શ્રેણીનો નિરાશાજનક રીતે અંત આવ્યો છે. પાંચમો અને નિર્ણાયક ફાઇનલ સમાન મેચ વરસાદમાં ધોવાઇ ગયો હતો. આથી શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. શ્રેણીમાં 0-2થી પાછળ રહ્યા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી અને ત્રીજા મેચમાં વિશાખાપટ્ટનમ ખાતે અને ચોથા મેચમાં રાજકોટમાં શાનદાર વિજય હાંસલ કરીને શ્રેણી 2-2થી સરભર કરી હતી. આજના મેચમાં વિજયથી ભારતીય ટીમ પાસે આફ્રિકાને ઘરઆંગણે પહેલીવાર ટી-20 શ્રેણીમાં પરાજીત કરવાની તક હતી, પણ વરસાદના વિઘ્નને લીધે મેચ પડતો મુકાયો હતો અને શ્રેણી 2-2થી ડ્રો જાહેર થઇ હતી.
બેંગ્લુરુમાં સતત વરસાદને લીધે મેચ મોડો શરૂ થયો હતો અને 19-19નો કરાયો હતો. ભારતના 3.3 ઓવરમાં બે વિકેટે 28 રન થયા હતા ત્યારે ફરી વરસાદ શરૂ થયો હતો. બાદમાં બન્ને અમ્પાયરે રાત્રે 9-45 વાગ્યે મેચ રદ કરાયાની જાહેરાત કરી હતી. મેચમાં રિઝર્વ ડે ન હોવાથી શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. વરસાદને લીધે રમત અટકી ત્યારે કપ્તાન પંત 1 અને અય્યર ઝીરો રને ક્રિઝ પર હતા. ઇશાન પહેલી ઓવરમાં જ ઉપરાઉપરી બે છક્કા ફટકારીને 15 રને અને ઋતુરાજ 10 રને આઉટ થયા હતા. બન્ને વિકેટે એન્ડિગીએ લીધી હતી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust