જેલબંધ નેતાને મતદાન નકારતી જોગવાઈનું અર્થઘટન તપાસવા સુપ્રીમ કોર્ટ તૈયાર

મલિક અને દેશમુખને મતદાનની પરવાનગી નકારાઈ
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના જેલવાસ વેઠતા વિધાનસભ્યો નવાબ મલિક અને અનિલ દેશમુખને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવા માટે કામચલાઉ છોડવાની મંજૂરી સર્વોચ્ચ અદાલતે નકારી છે. જોકે ન્યાયધીશો સી.ટી. રવિકુમાર અને સુધાંશુ ધુલિયાની બનેલી વૅકેશન બૅન્ચે આ કેસ અંગે મહારાષ્ટ્ર સરકાર અને અન્યોને નોટિસ મોકલી છે. એટલું જ નહીં પરંતુ કારાવાસ વેઠતી વ્યક્તિને મતદાનથી વંચિત રાખતી લોકપ્રતિનિધિત્વ ધારો 1951ની કલમ 62(5)ના અર્થઘટનની બાબત તપાસવાની સંમતિ દર્શાવી છે. વૅકેશન બૅન્ચે જણાવ્યું છે કે લોકપ્રિનિધિત્વ ધારો 1951ની કલમ 62(5)ના અર્થઘટનને ધ્યાનમાં રાખીને તેની વિસ્તૃત સુનાવણી કરશું. આ બાબતની ઉંડાણપૂર્વક સુનાવણી કરવાનો અમારો અભિપ્રાય છે. સંબંધિત પક્ષકારો આ બાબતે એક માસમાં અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે અનુકુળ ચંદ્ર પ્રધાન વિરુદ્ધ ભારત સરકાર તેમ જ ભારત સરકાર વિરુદ્ધ એસ. રાધાકૃષ્ણનના કેસમાં લોકપ્રતિનિધિત્વ ધારો 1951ની કલમ 62 (5)ને બંધારણીય ગણી છે. તેથી અમે નવાબ મલિક અને અનિલ દેશમુખને વચગાળાની રાહત આપવાનું વલણ ધરાવતાં નથી એમ બૅન્ચે ઉમેર્યું હતું.
સર્વોચ્ચ અદાલતમાં આજે શરૂઆતમાં દેશમુખ અને મલિકના ધારાશાસ્ત્રી મીનાક્ષી અરોરાએ જણાવ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી માટે આજે મતદાન હોવાથી અરજી સુનાવણી તાકીદે થવી જોઈએ. મારા અસીલોને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાનની પરવાનગી આપવાની બાબત તેઓને વિધાનસભામાં ચૂંટી કાઢનારાઓનો અધિકાર આંચકી લેવા સમાન છે. મતદાન એ કાનૂની અધિકાર ઉપરાંત બંધારણીય અધિકાર પણ છે એમ મીનાક્ષી અરોરાએ ઉમેર્યું હતું.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust