ધાર્મિક સ્થળે હુમલો માનવતા સામેનું ઘૃણિત કૃત્ય : મોદી

નવી દિલ્હી, તા. 20: અફઘાનિસ્તાનના કાબુલમાં એક ગુરુદ્વારા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સવિંદર સિંહનો અંતિમ અરદાસ દિલ્હીના તિલક નગર સ્થિત ગુરુદ્વારામાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ મૃતકના પરિવારની મુલાકાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર પણ વાંચ્યો હતો. મોદીએ લખ્યું હતું કે, કાબુલમાં હુમલા સામે શીખ સમુદાયના સાહસને સલામ કરે છે. આ હુમલો માનવતા સામેનું એક ધૃણિત કૃત્ય છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું કે, અફઘાન શીખ સમુદાયના સભ્યોએ કાબુલમાં ગુરુદ્વારા ઉપર આતંકી હુમલા સામે જે સાહસ બતાવ્યું છે તેને સલામ કરે છે. ધાર્મિક સ્થળ ઉપર આતંકવાદી હુમલો અને નિર્દોષ નાગરીકોને નિશાન બનાવવા એ માનવતા સામેનું એક ધૃણિત કૃત્ય છે. તેઓ આતંકવાદી હુમલાના પીડિતો, સ્વર્ગીય સવિંદર સિંહ અને ગુરુદ્વારાના કર્મચારી અહમદ મોરાદી માટે પ્રાર્થના કરે છે. પીએમ મોદીએ આગળ લખ્યું હતું કે, તેઓ દુ:ખ અને દર્દના આ સમયમાં અફઘાન હિંદુ, શીખ સમુદાય સાથે ભારતની એકજૂથતા વ્યક્ત કરે છે. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust