અગ્નિવીરોની ભરતી માટે સેનાનું જાહેરનામું

અગ્નિવીરોની ભરતી માટે સેનાનું જાહેરનામું
અગ્નિપથનો વિરોધ શાંત થતો જાય છે
આઠમી પાસ પણ સૈનિક બની શકશે
નવી દિલ્હી, તા. 20 : `અગ્નિપથ' યોજના સામે દેખાવો વચ્ચે ભારતીય વાયુદળ અને તરત પછીથી દેશની સેનાએ સોમવારે `અગ્નિવીર' સૈનિકોની ભરતી માટેનાં જાહેરનામાં જારી કરી દીધાં હતાં.
આઠમું ધોરણ અને ધો. 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે, પહેલી જુલાઈથી નોંધણી શરૂ થઈ જશે, જે વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, `અગ્નિવીર'ની સેનામાં એક અલગ રેંક હશે, કલાર્ક, સ્ટોરકીપર (ટેકનિકલ), ટ્રેડસમેન (ધો. 10), ટ્રેડસમેન (ધો. 8) એમ પાંચ ગ્રેડમાં ભરતી કરાશે.
જનરલ ડયૂટીમાં ભરતી માટે જવાબદારે ધો. 10માં કમસેકમ 45 ટકા સાથે સફળતા મેળવેલી હોવી જોઈએ. ટેકનિકલ પદો માટે ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજીમાં કમસેકમ 50 ટકા સાથે ધો. 12 પાસ હોવું જરૂરી છે.
કલાર્ક અને સ્ટોરકીપરના પદો પર ભરતી માટે ઉમેદવાર કોઈ પણ પ્રવાહમાં કમસેકમ 60 ટકા સાથે ધો. 12 પાસ હોવો જરૂરી રહેશે. જાહેરનામા મુજબ, ચાર વર્ષ માટે ભરતી કરાશે, દર વર્ષે 30 દિવસની રજા મળશે. પ્રથમ વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36,500, ચોથા વર્ષે 40 હજાર રૂપિયા પગાર મળશે.
નોટિફિકેશન રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી
સશત્ર દળોમાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો મામલો હવે  સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં અગ્નિપથ યોજનાની નોટિફિકેશનને રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અગ્નિપથ યોજના ગેરબંધારણિય છે અને ગેરકાનૂની છે. આ યોજના સંસદની મંજૂરી વિના લાવવામાં આવી છે.
500થી વધુ ટ્રેનો રદ : દિલ્હી અને બિહારમાં રસ્તા જામ 
ભારત બંધને નબળો પ્રતિસાદ
સેનામાં ભર્તી માટેની અગ્નિપથ યોજનાનાં વિરોધમાં થયેલા ઉપદ્રવને ધ્યાને રાખતાં આજે ભારત બંધનાં એલાન વખતે દેશભરમાં ભારે સાવધાની વર્તતા સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 
આ યોજનાનાં વિરોધમાં અગાઉ અનેક ટ્રેનોને સળગાવી નાખવામાં આવી હોવાનાં કારણે રેલવે તંત્ર દ્વારા આજે અતિરિક્ત સાવચેતી રાખવામાં આવી હતી, જેને પગલે 539 ટ્રેનો પ્રભાવિત થઈ હતી અને 529 ટ્રેનોને રદ કરી નાખવામાં આવી હતી. જો કે એકંદરે દેશમાં ભારતબંધનાં એલાનને નબળો પ્રતિસાદ સાંપડયો હતો. 
દેશનાં વિભિન્ન રાજ્યોમાં ભારતબંધની છૂટીછવાઈ અસર દેખાઈ હતી. આમાં આજે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. તો બીજીબાજુ બિહારમાં પણ આ બંધને સફળ બનાવવા માટે યુવા અને છાત્ર સંગઠનો દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતાં. અગાઉની અનિચ્છનીય ઘટનાઓને પગલે પોલીસ પણ સાબદી રહી હતી. 
દેશમાં 500થી વધુ ટ્રેનો આજનાં વિરોધ પ્રદર્શનને કારણ પ્રભાવિત અને રદ થતાં યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. આજે રદ કરવામાં આવેલી 529 ટ્રેનમાં 181 મેલ-એક્સપ્રેસ અને 348 યાત્રી ટ્રેનનો સમાવેશ થતો હતો. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust