મજબૂત મુંબઈ અને લડાયક મધ્યપ્રદેશ વચ્ચે આજથી રણજી ટ્રૉફીની ફાઇનલ

મજબૂત મુંબઈ અને લડાયક મધ્યપ્રદેશ વચ્ચે આજથી રણજી ટ્રૉફીની ફાઇનલ
મુંબઇની નજર 42મા ખિતાબ પર અને મધ્યપ્રદેશનું લક્ષ્ય પહેલીવાર ચૅમ્પિયન થવું
બેંગ્લુરુ, તા. 21 : મજબૂત મુંબઇની ટીમ અને લડાયક મધ્યપ્રદેશની ટીમ વચ્ચે આવતીકાલ બુધવારથી અહીં રણજી ટ્રોફી ફાઇનલના પાંચ દિવસ મુકાબલાની ટકકર શરૂ થશે. ત્યારે મુંબઇની નજર રેકોર્ડ 42મા ખિતાબ પર અને મધ્યપ્રદેશની ટીમનું લક્ષ્ય રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બનવાનું હશે. કાગળ પર મુંબઇની ટીમ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પણ મુંબઇના જ પૂર્વ ખેલાડી ચંદ્રકાંત પંડિતના કોચપદ હેઠળની મધ્યપ્રદેશની ટીમ ઉલટફેર કરી શકવાની પૂરી ક્ષમતા ધરાવે છે. મુંબઇના યુવા બેટધર સરફરાઝ ખાને પાંચ મેચમાં 800થી વધુ રન કર્યાં છે. તે મુંબઇ માટે ફરી હુકમનો એક્કો બની શકે છે.
 જ્યારે મુંબઇનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ કવાર્ટર ફાઇનલ અને સેમિ ફાઇનલની ચાર ઇનિંગમાં ત્રણ સદી ફટકારી ચૂકયો છે. મુંબઇનો યુવા કપ્તાન પૃથ્વી શો આક્રમક બેટધર છે. તેની ગણના જૂ. સેહવાગ તરીકે થઇ રહી છે. તે સેહવાગની માફક પહેલા દડાથી પ્રહારની રણનીતિમાં માને છે. આ ઉપરાંત મુંબઇ પાસે અરમાન જાફર, સુવેદ પારકર અને હાર્દિક તોમર જેવા યુવા પ્રતિભાશાળી બેટધરોની ફોજ છે. ટીમ પાસે બે સારા સ્પિનર શમ્સ મુલાની (37 વિકેટ) અને તનુશ કોટિયન (18 વિકેટ) છે.
બીજી તરફ મધ્યપ્રદેશની ટીમને ઓલરાઉન્ડર વૈંકટેશ અય્યર અને ઝડપી બોલર આવેશ ખાનની ફાઇનલમાં ખોટ પડશે. બન્ને આયરલેન્ડ પ્રવાસની ભારતીય ટીમમાં સામેલ છે. તેમની ગેરહાજરીમાં કુમાર કાર્તિકેયન, હિમાંશુ મંત્રી અને અક્ષત રઘુવંશીએ સારી ભૂમિકા નિભાવી છે. મુંબઇએ સૌથી વધુ સતર્ક રજત પાટીદારથી રહેવું પડશે. તે પોતાની આક્રમક બેટિંગથી મેચના પાસા પલટાવી શકે છે. રણજી ટ્રોફીનો ફાઇનલ મેચ બુધવાર સવારે 9-30થી શરૂ થશે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust