એકનાથ શિંદે કો ગુસ્સા ક્યોં આતા હૈ?

એકનાથ શિંદે કો ગુસ્સા ક્યોં આતા હૈ?
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 21 : શિવસેનાની નેતાગીરી સામે પક્ષના ટોચના નેતા એકનાથ શિંદેએ કરેલો બળવો અણધાર્યો નથી. તેઓને છેલ્લા કેટલાક માસથી શિવસેના અને તેમાંય ખાસ કરીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તરફથી દબાવવાનો પ્રયત્ન થતો હોવાની વાતો જાણવા મળી છે.
અૉટોરિક્ષા ડ્રાઇવર તરીકે કારકિર્દી શરૂ કરનારા એકનાથ શિંદેની પાંખ કાપવાનો પ્રયત્ન શિવસેનામાં થતો હતો. મુંબઈનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરતી વખતે નગરવિકાસ પ્રધાન તરીકે લીધેલા નિર્ણય ઉદ્ધવ ઠાકરેને પસંદ પડયા નહોતા. તેથી મુખ્ય પ્રધાનની કચેરી તરફથી તે અટકાવવામાં આવ્યા હતા. શિંદે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કેટલાક આઈએએસ અધિકારીને નીમવા માગતા હતા પણ તે ફાઇલ મુખ્ય પ્રધાનની કચેરીએ અટકાવી હતી. ગત નવેમ્બરમાં ઉદ્ધવ ઠાકરે સ્પાઇન સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે મુખ્ય પ્રધાનનો કાર્યભાર શિંદેને સોંપવામાં આવ્યો નથી એવી સ્પષ્ટતા બહાર પાડવાની ફરજ તેમની કચેરીને પાડવામાં આવી હતી. થાણે જિલ્લામાં વિધાનસભાની 18 બેઠકો છે. થાણેમાં શિવસેનાના મહત્ત્વના નેતા સ્વ. આનંદ દીઘેના અવસાન પછી એકનાથ શિંદેએ પક્ષનો પ્રસાર કરવામાં મોટી ભૂમિકા અદા કરી હોવા છતાં તેમને પૂરતું મહત્ત્વ અપાતું નહોતું.
`આઘાડી' સરકારના વરિષ્ઠ પ્રધાન સુભાષ દેસાઈને વિધાન પરિષદની ટિકિટ નકારવામાં આવી હોવાથી આગામી મહિનાઓમાં તેમનું પ્રધાનપદ પણ જશે તેથી વિધાન પરિષદની ચૂંટણીમાં એકનાથ શિંદેને મહત્ત્વ આપવાને બદલે યુવાસેનાના નેતાઓને આગળ કરવામાં આવ્યા હતા. શિંદે સહિત કેટલાય વિધાનસભ્યો કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની વિરુદ્ધ છે. તેઓ માને છે કે સત્તામાં ભાગીદારીને કારણે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીને પોતાના પક્ષની વગ વધારવામાં મદદ મળી રહી છે. જ્યારે શિવસેનાને નુકસાન થઈ રહ્યું છે તેથી શિવસેનાના કેટલાય સભ્યોએ વિધાન પરિષદની ચૂંટણીમાં વધારાના મત કૉંગ્રેસને આપવા સામે નાપસંદગી વ્યક્ત કરી હતી.
`સત્તા માટે બાળાસાહેબની શીખામણ ક્યારેય નહીં છોડું'
હું ક્યારે `સત્તા માટે ઠગાઈ' નહીં કરું અને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની શીખામણ ક્યારેય નહીં છોડું, એમ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ આજે જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના કેન્દ્ર સમા શિંદેએ આજે જણાવ્યું હતું કે, અમને હિન્દુત્વના પાઠ ભણાવનારા બાળાસાહેબના અમે કટ્ટર શિવસૈનિક છીએ. અમે સત્તા માટે બાળાસાહેબ અને આનંદ દીઘેની શીખામણને ક્યારેય નહીં છોડીએ.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust