વૈશ્વિક સોનામાં સળંગ ચોથા દિવસે ઘટાડો

વૈશ્વિક સોનામાં સળંગ ચોથા દિવસે ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : ડોલરના મૂલ્યમાં તેજીનો જુવાળ ચાલુ રહેતા સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં સળંગ ચોથા દિવસે ઘટ્યો હતો. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ બાંકિંગ કોંગ્રેસને બુધવારે મોડેથી સંબોધવાના હતા એમાં નાણાનીતિ સખ્ત બનાવવા માટે અને ફુગાવા માટે કેવા નિવેદનો આવે છે તેની રાહ જોવાતી હતી. જોકે કરન્સી બજારમાં ડોલર સુધરી રહ્યો હોવાથી સોનાનો ભાવ ઘટીને 1822 ડોલર સુધી ઇન્ટ્રા ડેમાં આવી ગયા પછી 1830 ડોલર રનીંગ હતો. ચાંદીનો ભાવ 21.34 ડોલરની સપાટીએ હતો. 
ઉંચે ગયેલા ફુગાવાને નાથવા માટે મધ્યસ્થ બેંક હવે શું કરવા ઇચ્છે છે તેનું ઘણુંબધુ ચિત્ર બે દિવસમાં સ્પષ્ટ થાય એવું લાગે છે. નવી બેઠકમાં 75 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો થાય છેકે કેમ તેનો પણ અંદાજ બાંધી શકાશે. 
જો પોવેલ એવી સ્પષ્ટતા કરી દે કે જુલાઇ મહિનામાં 75 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો આવશે તો ડોલરના મૂલ્યમાં વધુ તેજી આવશે અને બોન્ડના વળતરમાં પણ મોટો વધારો થશે. એ સોના માટે નકારાત્મક બાબત બની જશે. જોકે મોટેભાગે એવું બનતું આવ્યું છેકે, આવી બેઠકોમાં ચેરમેન ચીલાચાલુ નિવેદનો આપી દેતા હોય છે. એવું બને તો બજાર નિરાશ થશે. એક સમાચાર સંસ્થાના અનુમાન પ્રમાણે જુલાઇ મહિનામાં પણ 75 બેસીસ પોઇન્ટનો વ્યાજદર બધારો નિશ્ચિત છે. એ પછી સપ્ટેમ્બરમાં અર્ધો ટકો વધી શકે છે. 
વ્યાજદર ઉંચે જશે ત્યાં સુધી સોનામાં મોટી તેજી ધારવી મુશ્કેલ છે. જોકે બીજી તરફ વૈશ્વિક સ્તરે રિસેસનની વાતો થઇ રહી છએ એવું ખરેખર બને તો સોનામાં રોકાણની માગ વધે અને ઘટાડો મર્યાદામાં રહે એવું પણ બની શકે છે.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.30 વધીને રૂ. 52280 અને મુંબઇમાં રૂ. 241 વધીને રૂ. 51155 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 400 તૂટી જતા રૂ.61400 અને મુંબઇમાં રૂ. 333 ઘટીને રૂ. 60744 રહી હતી. 
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust