ડૉલર સામે રૂપિયો 81 સુધી નીચે જવાની આગાહી

ડૉલર સામે રૂપિયો 81 સુધી નીચે જવાની આગાહી
ક્રૂડ અૉઇલ અને ડૉલરમાં મોટો ઘટાડો આવે નહીં ત્યાં સુધી રૂપિયામાં નરમાઇ રહેવાની શક્યતા
મુંબઈ, તા. 22 : આંતરરાષ્ટ્રીય મૂડી બજારમાં મંદીના કારણે બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં સતત મજબૂતીના કારણે ભારતીય રૂપિયામાં સતત વધી રહેલી નરમાઇ હજી આગળ વધશે અને ડિસેમ્બર સુધીમાં તે 81ના નવા વિક્રમી નીચા સ્તરે જોવા મળશે, એમ બૅન્ક અૉફ અમેરિકા દ્વારા કરવામાં આવેલી સુધારિત આગાહીમાં જણાવવામાં આવ્યું છે. અર્થશાત્રીઓનું માનવું છે કે સમગ્ર કેલેન્ડર વર્ષ દરમિયાન રૂપિયા ઉપર દબાણ રહેશે. આજે રૂપિયો ડૉલર સામે 27 પૈસા તૂટી 78.40ના નવા નીચલા સ્તરે બંધ આવ્યો હતો.
રશિયા -યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી ભૂ- રાજકીય સ્થિતિ અને તેના પગલે ખોરવાઇ ગયેલી પુરવઠા ચેઇનથી ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ છે અને તે સાથે ચાલુ ખાતાની ખાધ અને ડૉલરના વધેલી જાવકના કારણે રૂપિયો દરરોજ નવી નીચી સપાટીએ જઇ રહ્યો હોવાનું સમીક્ષકો જણાવે છે. ડીબીએસ બૅન્કના અર્થશાત્રી રાધિકા રાવનું માનવું છેકે ક્રૂડ અૉઇલ અને ડૉલરમાં મોટો ઘટાડો આવે નહીં ત્યાં સુધી રૂપિયામાં યુએસ ડૉલર સામે નરમાઇ ચાલુ રહેશે. બૅન્ક અૉફ અમેરિકા (બીઓએફ) સિક્યુરિટીઝ દ્વારા ડૉલર સામે ભારતીય રૂપિયાનું સ્તર 79થી સુધારીને 81 કરવામાં આવ્યું છે. 
બુધવારે સત્રની શરૂઆતમાં 78.13 ખુલી 78.29ના નવા નીચા સ્તરે સરકી ગયો હતો જ્યારે બપોરે 2.30 કલાકે 78.25ના સ્તરે રનિંગ હતો જે પાછલા બંધના સ્તરથી 0.21 ટકો ઘટાડો દર્શાવે છે. 
સ્થાનિક મૂડીબજારમાંથી એફઆઇઆઇ દ્વારા સતત વેચવાલીના  કારણે રૂપિયામાં નરમાઇ વધી છે.પાછલા નવ માસમાં 32 અબજ ડૉલર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને તેમાં 27.22 અબજ ડૉલર્સના શૅર્સની વેચવાલીનો સમાવેશ થાય છે. જોકે, ડૉલરની દેશ બહાર થઇ રહેલી જાવકમાં ઘટાડો આવશે, એમ બૅન્ક અૉફ અમેરિકાએ તેના સર્વેમાં જણાવ્યું છે.
આ ઉપરાંત ક્રૂડતેલમાં સતત ઊંચા ભાવ, ચોમાસમાં થયેલા વિલંબથી 20 જૂન સુધી નોંધાયેલી પાંચ ટકાની ખાધ અને ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવના કારણે ફુગાવો ઊંચો રહેવાથી આંતરરાષ્ટ્રીય કરન્સી બજારમાં રૂપિયા ઉપર દબાણ ટકી રહ્યું છે. 
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust