મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે સરકારની અસર

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારમાં પડેલી ફૂટ ભાજપને નવી તક આપશે. વિધાન પરિષદની ચૂંટણીમાં જીત બાદ ઉત્સાહિત ભાજપ માટે એક તક આગામી મહાપાલિકાની ચૂંટણીમાં બુસ્ટર તરીકે કામ કરશે. સૂત્રો અનુસાર હિંદુત્વના મુદ્દે બળવો કરેલા એકનાથ શિંદેની સીધી અસર પાલિકાની ચૂંટણી ઉપર જોવા મળવાની છે. 
પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે થોડું જોર લગાવવું પડશે. ગત ચૂંટણીમાં ભાજપ, શિવસેનાથી માત્ર બે બેઠક પાછળ રહી ગઇ હતી. પાલિકાની ચૂંટણીમાં મરાઠી મતો લાંબા સમયથી શિવસેના સાથે જ રહ્યા છે. રાજ ઠાકરેની સક્રિયતાને પગલે મરાઠી મતોની વહેંચણી થઇ ગઇ હતી. એકનાથ શિંદેએ સુરત પહોંચ્યા બાદ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ અમને હિંદુત્વની શિક્ષા આપી છે. અમે સત્તા માટે કોઇની સાથે બેઇમાની કરી નથી કે કરીશું નહીં. આઘાડી સરકાર સામે શિવસેનામાં આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હતો. ભાજપના ભૂતપૂર્વ નગરસેવકે જણાવ્યું હતું કે જો શિંદે પોતાના અલગ પક્ષની સ્થાપના કરી અમારી સાથે ગઠબંધન કરશે તો શિવસેનાને પાલિકામાં મોટો ફટકો બેસશે. હિંદી ભાષીના મત પહેલાથી જ અમારી સાથે છ, એવામાં મતનું થોડું ગણિત અમારા પક્ષમાં થતાં જ અમારો મેયર સહેલાઇથી બની જશે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust