મુંબઈમાં બુધવારે નવા કેસની સરખામણીમાં કોરોનામુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ

1648 નવા કેસ, 2291 થયાં નેગેટિવ
મુંબઈ, તા. 22 : મુંબઈમાં હાલની કોરોનાની લહેરમાં પહેલીવાર બુધવારે નવા નોંધાયેલા કેસની સરખામણીમાં કોરોનામુક્ત થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. બુધવારે કોરોનાના નવા 1648 કેસ નોંધાવ્યા હતા. જ્યારે કોરોના મુક્ત થનારાઓની સંખ્યા 2291 રહી હતી.
બુધવારે મુંબઈમાંથી કોરોનાના 1648 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 10,99,383 કેસ મળ્યા છે.  મુંબઈમાં અત્યારે કુલ 13,501 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. બુધવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી 91 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
મંગળવારે મુંબઈમાંથી 1781, સોમવારે 1310, રવિવારે 2087 અને શનિવારે 2054 નવા દરદી મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં બે કોરોનાગ્રસ્તના મૃત્યુ થયા હતા. આમ શહેરનો મૃત્યાંક વધીને 19,588નો થઈ ગયો હતો. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 2291 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી 10,66,294 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મહારાષ્ટ્રમાં 3260 નવા કેસ
મહારાષ્ટ્રમાંથી બુધવારે કોરોનાના 3260 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 79,45,022 કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યારે 24,639 દરદી સારવાર હેઠળ છે. 
મંગળવારે રાજ્યમાંથી 3659, સોમવારે 2354, રવિવારે 4004 અને શનિવારે 3317 નવા કેસ મળેલા.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં ત્રણ કોરોનાગ્રસ્તના મૃત્યુ થયા હતા. આને લીધે રાજ્યનો મૃત્યાંક 1,47,892નો થઈ ગયો હતો. રાજ્યનો મૃત્યુ દર 1.86 ટકા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3533 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 77,72,491 દરદીઓને રજા અપાઈ છે. રાજ્યનો રિક્વરી રેટ 97.83 ટકા છે. 
રાજ્યમાંથી બીએ.5 વિષાણુના છ દરદી મળ્યા 
પુણેમાંથી પાંચ અને નાગપુરમાંથી એક એમ બીએ.5 વિષાણુના છ વધુ દરદી રાજ્યમાંથી મળ્યા છે. આ છ દરદીમાં પાંચ મહિલા અને એક પુરુષ દરદી છે. 12થી 22 જૂન વચ્ચે તેમને કોરોના થયો હતો. એક સિવાય બાકીના દરદીઓએ રસી લીધી હતી. 
આ સાથે રાજ્યમાં બીએ.4 અને બીએ.5 વિષાણુના દરદીઓની કુલ સંખ્યા 25ની થઈ ગઈ છે. આમાથી 15 કેસ માત્ર પુણેમાંથી મળ્યા છે. મુંબઈમાંથી પાંચ, નાગપુરમાંથી ત્રણ અને થાણેમાંથી બે દરદી અત્યાર સુધી મળ્યા છે. 
બી.એ.ફોર અને બી.એ.ફાઈવ વિષાણુ ઓમિક્રોની પેટા જાતીના વિષાણુ છે અને એ ભારે ચેપી હોવાનુ કહેવાય છે. આ બન્ને વાઈરસ દક્ષિણ આફ્રિકામાં શોધાયા હતા અને ત્યાંથી એ અનેક દેશોમાં ફેલાયા છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust