કોચીન, તા. 23 : ચીને ભારતનું કોપરેલ ખરીદવામાં રસ બતાવ્યો છે. ભારતમાંથી તે પહેલીવાર કોપરેલ આયાત કરે તેવી શક્યતા છે.
હાલમાં ભારત તથા તેના હરીફ દેશો ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના કોપરેલના ભાવ લગભગ સરખા છે ત્યારે ચીન ભારતમાંથી તેની આયાત કરવાનું વિચારી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરેલના ભાવ 1,758 ડૉલર પ્રતિ ટન છે, જ્યારે ભારતના ભાવ 1,947 ડૉલર પ્રતિ ટન છે. આમ છતાં ગુણવત્તાના આધારે ચીન ભારતમાંથી તેની આયાત કરવાનું વિચારે તો કોપરેલની ઘણી ઉત્પાદક કંપનીઓ તેની નિકાસ કરવા તૈયાર છે. જોકે ચીનના સત્તાવાળાઓના કડક માપદંડોમાંથી પસાર થયા બાદ જ તેની નિકાસ શક્ય બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડે કોપરેલની નિકાસની જરૂરી કાર્યવાહી કરવા માટે ચીનના ભારતીય ઉચ્ચાયુક્તનો સંપર્ક કર્યો છે. આ બાબતની સ્પષ્ટ જાણકારી માટે હજી થોડો સમય લાગશે.
ચીન અત્યારે કોપરેલની સૌથી વધુ આયાત કરતો દેશ છે. તે મોટા ભાગે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેટનામ તથા શ્રીલંકાથી તેની આયાત કરે છે.
અગાઉ સૂકા કોપરાનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો રૂા. 20-22 હતો ત્યારે ચીન તેની મોટેપાયે આયાત કરતું હતું.
Published on: Fri, 24 Jun 2022
કોપરેલ તેલ ખરીદવા ચીન ઉત્સુક
