અજિત પવાર કૉંગ્રેસી વિધાનસભ્યો-પ્રધાનોને પણ હેરાન કરતા : નાના પટોલે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બની ગયું છે ત્યારે કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે કહ્યું હતું કે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર કૉંગ્રેસી વિધાનસભ્યો અને પ્રધાનોનું વિકાસ ફંડ અટકાવી તેમની સતામણી કરતા હતા. 
શિવસેનાના અમુક બપવાખોર નેતાઓએ પણ અજીત પવાર પર આવો આક્ષેપ કર્યો એ બાદ નાના પટોલેએ ઉક્ત નિવેદન કર્યું હતું. અજીત પવાર મહાવિકાસ આઘાડી સરકારમાં નાણાં મંત્રાલયનો હવાલો પણ સંભાળે છે. 
નાના પટોલેએ કહ્યું હતું કે, અજીત પવારની આવી સતામણીનો અમે વિરોધ પણ કરેલો. અમારું કહેવું હતું કે સરકાર લોક-કલ્યાણ માટે છે. આવી હરકત સામેનો અમારો વિરોધ રાજકીય નહોતો. 
આ વિશે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સિનિયર નેતા છગન ભુજબળને પૂછવામાં આવતા તેમણે આ મુદ્દાને મહત્વ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પક્ષમાં પણ નેતાઓ એકબીજાની સામે ફરિયાદ કરતાં હોય છે. એટલે આવા મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust