સોનિયા ગાંધીની અપીલ સ્વીકારાઈ : પૂછપરછ માટે ઈડી નવી તારીખ આપશે

નવી દિલ્હી, તા. 23 : ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની માગણીને માન્ય રાખતા પૂછપરછમાંથી રાહત આપવામાં આવી છે. સોનિયા ગાંધીએ બુધવારે ઈડીને આગ્રહ કર્યો હતો કે પૂછપરછ માટેની તારીખને અમુક અઠવાડિયા સુધી લંબાવવામાં આવે. ત્યારબાદ ઈડી તરફથી અનુરોધનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીની હવે ક્યારે પૂછપરછ કરવામાં આવશે તેને લઈને ઈડી નવી તારીખ જારી કરશે. 
સૂત્રો મુજબ ઈડી તરફથી હજી તારીખ નક્કી કરવામાં આવી નથી. આ પહેલા પક્ષ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું છે કે, સોનિયા ગાંધીને કોરોના અને ફેફસામાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તબીબોએ હવે ઘરે આરામ કરવાની સલાહ આપી છે. તેવામાં કોંગ્રેસ અધ્યક્ષાએ ઈડીને પત્ર લખીને માગણી કરી છે કે પૂછપરછની તારીખને અમુક અઠવાડિયા સુધી લંબાવવામાં આવે. અગાઉ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે 23 જૂનનું સમન પાઠવવામાં આવ્યું હતું.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust