આયર્લેન્ડ સામે શ્રેણી નહીં રહે આસાન

આયર્લેન્ડ સામે શ્રેણી નહીં રહે આસાન
પોલ સ્ટર્લિંગ સહિતના પાંચ આયરિશ ખેલાડી આપી શકે છે ટક્કર
નવી દિલ્હી, તા. 24 : ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 26 એન 28મી જુનના રોજ બે ટી20 મેચ રમવાની છે. ભારતે આયર્લેન્ડના પ્રવાસ માટે વિશેષજ્ઞોની ટીમ મોકલી છે. કારણ કે સીનિયર ખેલાડી ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વ્યસ્ત  છે. ટીમની ભાગદોડ હાર્દિક પંડયાના હાથમાં છે. જે પહેલી વખત ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. જો કે ભારતીય ટીમને આયર્લેન્ડ સામે આકરી ટક્કર મળી શકે છે કારણ કે મેજબાન ટીમમાં શરૂઆતથી જ અમુક સારા ખેલાડીઓ છે. જે ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવી શકે છે. 
આયરીશ ટીમમાં અનુભવી ખેલાડીમાં પોલ સ્ટર્લિંગ સામેલ છે. પોલે 102 ટી20મા 30ની સરેરાશથી 2776 રન કર્યા છે. તેણે 20 અર્ધસદી અને એક સદી કરી છે. સાથે જ 20 વિકેટ પણ લઈ ચુક્યો છે. ઓલરાઉન્ડર કર્ટિસ કેમ્ફરે પણ પોતાની કારકિર્દીથી લોકોને પ્રભાવિત કર્યા છે. કર્ટિસે યુએઈમાં નેધરલેન્ડ સામેની મેચમાં સતત ચાર વિકેટ લીધી હતી. કેમ્ફરે 12 મેચમાં 169 રન કરવા ઉપરાંત 15 વિકેટ લીધી છે. 
આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્રુ બાલબર્નીએ 2010મા પદાર્પણ કર્યું હતું. તેના ઉપર ભારત સામે સારી રમત બતાવવાની જવાબદારી રહેશે. એન્ડ્રુએ કુલ 67 ટી20 મેચ રમ્યા છે. જેમાં 1429 રન કર્યા છે. આ ઉપરાંત માર્ક અડાયર પણ નોંધપાત્ર ખેલાડી છે. ઝડપી બોલર અડાયરે 39 મેચમાં 59 વિકેટ લીધી છે. અડાયરમાં ડેથ ઓવરોમાં યોર્કર ફેંકવાની કાબેલિયત છે. ગેરેથ ડેલાની પણ ભારત સામે ઝડપથી રન કરવાનો પ્રયાસ કરશે. ડેલાનીએ 37 મેચમાં 23.93ની સરેરાશથી 694 રન કર્યા છે. જેમાં ત્રણ અર્ધસદી સામેલ છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust