આજે બીજી ટી20 મૅચમાં બેટરો પાસે ભારતને રહેશે સારા પ્રદર્શનની આશા
કોલંબો, તા. 24 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બીજા ટી20 મેચમાં શીર્ષ ક્રમના બેટર પાસે સારા પ્રદર્શનની આશા રાખીને અજેય બઢતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા ટીમે ગુરૂવારના રોજ પહેલા ટી20 મેચમાં 34 રને જીત મેળવીને પ્રવાસની સકારાત્મક શરૂઆત કરી હતી. ભારતીય ટીમ હવે શનિવારે શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે અને નબળા પાસાને ધ્યાને લઈને બર્મિંઘમમાં ટુર્નામેન્ટ પહેલા જીતની લય જાળવી રાખવાનો પણ પ્રયાસ કરશે.
બર્મિંઘમ રાષ્ટ્રમંડળ રમતનું આયોજન 28 જુલાઈથી 8 ઓગષ્ટ વચ્ચે થવાનું છે. આ રમતમાં પહેલી વખત મહિલા ક્રિકેટના ટી20 પ્રારુપનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે પહેલા મેચમાં પહેલા બેટિંગ કરતા 6 વિકેટે 138 રન કર્યા હતા. જો કે રાધા યાદવની બોલિંગના દમ ઉપર જીત મળી શકી હતી. ભારતીય બેટિંગમાં ઘણા સુધારાની જરૂરીયાત જોવા મળી રહી છે. શેફાલી વર્મા 31 રન, કેપ્ટન હરમનપ્રીત કૌર 22 અને ઋચા ઘોષ 11 રને આઉટ થઈ હતી. આ તમામ ખેલાડીએ પોતાના સ્કોરને આગળ વધારવામાં મહેનત કરવી પડશે. શ્રીલંકાને પણ પોતાના બેટર પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે.પહેલા મેચમાં કવિશા દિલહારીએ ટક્કર આપી હતી પણ બીજા છેડેથી કોઈ સહયોગ મળ્યો નહોતો. આ ઉપરાંત ત્રણેય મેચ એક જ મેદાન ઉપર હોવાથી સ્પીનરની ભૂમિકા પણ મેચમાં મહત્ત્વની બની રહેશે.
Published on: Sat, 25 Jun 2022
શ્રીલંકા સામે ભારતની નજર અજેય બઢત ઉપર
